નવી દિલ્હીઃ ઝારખંડના પૂર્વી સિંહભૂમ જિલ્લામાં ભારતમાં યુરેનિયમનો વિશાળ ભંડાર મળ્યો છે. ભારત સરકાર સાથે જોડાયેલા પરમાણુ ખનિજ નિર્દેશાલય (AMD) અને યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (UCIL) એ આની પુષ્ટિ કરી છે. આ ખાણ જાદુગોડા ખનન વિસ્તારમાં મળી છે. આ શોધ માત્ર UCIL માટે મોટી સફળતા નથી, પણ આ વિસ્તારના લોકો માટે રોજગાર અને આર્થિક વિકાસની દિશામાં પણ મહત્વની તક આપી શકે છે.
જાદુગોડાના બંગલાસાઈ-મેચુઆ વિસ્તારમાં આ નવી ખાણ મળી છે. આ જગ્યા જાદુગોડાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલી છે. અંદાજ મુજબ અહીં 15,000 ટનથી વધુ યુરેનિયમ હોવાની શક્યતા છે.
આ ભંડાર 2.7 અબજ ઘરોને – અશરે પૃથ્વી પરના દરેક ઘરને – એક મહિનાં સુધી વીજળી આપી શકે છે. એ ઉપરાંત હજારો સંખ્યામાં (અશરે 6000) પરમાણુ બોમ્બ પણ બનાવી શકાય છે, કારણ કે માત્ર 20થી 25 કિલો યુરેનિયમથી એક પરમાણુ બોમ્બ બનાવી શકાય છે. અંદાજ મુજબ 2020થી 2024 વચ્ચે ભારતમાં અંદાજે 93,700 ટન યુરેનિયમ ઓક્સાઈડ શોધવામાં આવ્યું છે. ભારતમાં કુલ યુરેનિયમ ભંડાર હવે 4.25 લાખ ટનથી વધુ પહોંચ્યો છે.

આ યુરેનિયમ ભંડાર અંદાજે 15,598 ટનનો છે. આ ભંડાર હાલની જાદુગોડા ખાણના વિસ્તૃત ક્ષેત્રમાં આવેલું છે. જેના કારણે ખાણનું આયુષ્ય આશરે 50 વર્ષ સુધી વધવાની શક્યતા છે. 2020થી 2024 વચ્ચે દેશમાં ચાર રાજ્યો – આંધ્ર પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન અને તેલંગાણામાં કુલ 93,700 ટન નવા યુરેનિયમ ઓક્સાઈડ સંસાધનો મળ્યા છે. જેમાં માત્ર ઝારખંડમાં 27,156 ટન અને આંધ્ર પ્રદેશમાં 60,659 ટન યુરેનિયમ મળી આવ્યું છે.
હાલમાં ભારતમાં કુલ યુરેનિયમ સંસાધન 4.25 લાખ ટનથી વધુ છે. જેને દેશની લાંબા ગાળાની પરમાણુ ઊર્જા નીતિને મજબૂત બનાવવામાં તેમ જ ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફના એક મોટા પગથિયાં તરીકે જોવામાં આવી રહ્યું છે.


