T20 વર્લ્ડ કપ વિવાદમાં UAEએ PCBને લગાવી ફટકાર

નવી દિલ્હીઃ સંયુક્ત આરબ અમીરાતે પાકિસ્તાનને યાદ અપાવ્યું છે કે ક્રિકેટ સંબંધિત મુદ્દાઓ પર તેણે હંમેશાં તેનું સમર્થન કર્યું છે. એમિરેટ્સ ક્રિકેટ બોર્ડનું માનવું છે કે જો ભારત-પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો નહીં થાય તો તેની આર્થિક અસર એસોસિયેટ દેશો પર પણ પડશે.

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારા હાઈવોલ્ટેજ મુકાબલા અંગે અનિશ્ચિતતા સતત વધી રહી છે. શ્રીલંકા ક્રિકેટ (SLC) પછી હવે એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને પત્ર લખીને 15 ફેબ્રુઆરીએ નિર્ધારિત ભારત-પાકિસ્તાન મેચથી દૂર રહેવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે. એ દરમિયાન ICC પણ સતત વાતચીત દ્વારા આ વિવાદનો ઉકેલ લાવવા પ્રયત્ન કરી રહ્યું છે, જેથી ટુર્નામેન્ટનો સૌથી મોટો મુકાબલો સંકટમાં ન પડે.

એમિરેટ્સ ક્રિકેટ બોર્ડે પોતાના પત્રમાં પાકિસ્તાનને “ક્રિકેટ પરિવારનો મહત્વનો સભ્ય” ગણાવ્યો છે અને કહ્યું છે કે મુશ્કેલ સમયમાં તેણે પાકિસ્તાનને પોતાનાં મેદાનો ઉપલબ્ધ કરાવ્યાં હતાં તેમ જ અનેક આંતરરાષ્ટ્રીય મુકાબલાઓ યોજવામાં મદદ કરી હતી. બોર્ડે યાદ અપાવ્યું કે વૈશ્વિક મંચ પર પાકિસ્તાન ક્રિકેટને જાળવી રાખવામાં UAEની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેથી ભારત સામેના મેચનો બોયકોટ ક્રિકેટ માટે નુકસાનકારક સાબિત થશે અને એસોસિયેટ દેશોની આર્થિક સ્થિતિ પર પણ નકારાત્મક અસર કરશે.

શ્રીલંકાએ પણ આપી હતી કડક ચેતવણી

આ પહેલાં શ્રીલંકા ક્રિકેટે પણ PCBને પોતાનું વલણ બદલવા અપીલ કરી હતી અને સંભવિત આર્થિક નુકસાનની ચેતવણી આપી હતી. હવે UAE પણ આગળ આવતાં સ્પષ્ટ થાય છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમુદાય પાકિસ્તાન પર દબાણ કરી રહ્યો છે કે તે ટુર્નામેન્ટનું ગૌરવ જાળવે અને વિવાદનો ઉકેલ વાતચીતથી લાવે.

ICC આ મામલે સતત નજર રાખી રહી છે. ICC અધિકારીઓએ PCB સાથે અનેક તબક્કાની ચર્ચા કરી છે, જેથી ટુર્નામેન્ટના શેડ્યુલ અને વ્યાપારી માળખા પર કોઈ અસર ન પડે. ભારત-પાકિસ્તાન મેચ ICC માટે ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે પ્રસારણ આવક, જાહેરાત અને વૈશ્વિક દર્શકોની દૃષ્ટિએ આ સૌથી મોટું આકર્ષણ માનવામાં આવે છે.