પટનાઃ બિહારની નવી સરકારના 20 નવેમ્બરે થનારા શપથગ્રહણ સમારંભ પહેલાં NDAના ઘટક દળોમાં મંત્રીમંડળમાં સામેલ કરવાના ચહેરાઓ અને વિધાનસભા અધ્યક્ષપદને લઈને ભારે ખેંચતાણ ચાલી રહી છે. એ દરમિયાન JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીશકુમારે મંગળવારે નવી સરકારના શપથગ્રહણ સમારંભની તૈયારીઓની સમીક્ષા કરી હતી. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આ સમારંભ થવાનો છે. JDU અને ભાજપ વચ્ચે વિધાનસભા અધ્યક્ષપદને લઈને સહમતી બનાવવા માટે ચર્ચાઓ ચાલી રહી છે અને બન્ને પક્ષો આ પદ પર પોતાનો દાવો કરી રહ્યા છે.
પાછલી વિધાનસભામાં ભાજપના નંદકિશોર યાદવ વિધાનસભા અધ્યક્ષ હતા, જયારે JDUના નરેન્દ્ર નારાયણ યાદવ ઉપાધ્યક્ષ હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે JDUના વરિષ્ઠ નેતાઓ અને ભાજપના ટોચના અધિકારીઓ દિલ્હીમાં સતત બેઠક કરી રહ્યા છે, જ્યાં અધ્યક્ષપદ સાથે મહત્વના વિભાગોના વહેંચણી પર પણ ચર્ચા થઈ રહી છે.
અધ્યક્ષ પદ માટે આ નેતાઓનાં નામ ચર્ચામાં
વિધાનસભા અધ્યક્ષપદના સંભાવિત દાવેદારોમાં JDUના વિજય ચૌધરી અને ભાજપના પ્રેમકુમારનાં નામ વધુ ચર્ચામાં છે. નવા મંત્રીમંડળમાં NDAના મુખ્ય ઘટક BJP અને JDUના પાંચથી છ નવા ચહેરાઓ સામેલ થઈ શકે છે. મહનારમાંથી વિજય મેળવનાર અને JDUના પ્રદેશ અધ્યક્ષ ઉમેશસિંહ કુશવાહાને મંત્રી બનાવવાની પૂરી શક્યતા છે.

નીતીશ કુમાર 20 નવેમ્બરે દસમી વાર મુખ્ય મંત્રી પદની શપથ લેશે. તે 19 નવેમ્બરે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને પોતાનું રાજીનામું સોંપશે અને એ જ દિવસે હાલની વિધાનસભા વિસર્જિત થશે. ભાજપ અને JDU 19 નવેમ્બરે પોતપોતાના વિધાનસભા દળના નેતા પણ ચૂંટશે. ભાજપે ઉત્તર પ્રદેશના ઉપ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યને બિહારમાં વિધાનસભા દળના નેતા પસંદગી માટે કેન્દ્રીય પર્યવેક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. કેન્દ્રીય કાનૂન મંત્રી અર્જુનરામ મેઘવાલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ સહ-પર્યવેક્ષક બનાવવામાં આવ્યા છે.


