મોદીએ જાતે ફોન ન કર્યો એટલે ટ્રમ્પે ટ્રેડ ડીલ અટકાવી

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ તેથી શક્ય બની નહીં, કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો ન હતો. એવો દાવો અમેરિકાના કોમર્સ સેક્રેટરી હાવર્ડ લટનિકે કર્યો છે. લટનિકે એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે મેં ડીલ તૈયાર કરી હતી, પરંતુ તેના માટે મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ફોન કરવો જરૂરી હતો. તેઓ (ભારત) અસહજ અનુભવી રહ્યા હતા. તેથી મોદીએ ફોન કર્યો નહીં.

લટનિકે જણાવ્યું હતું કે તેમણે પહેલાં અન્ય દેશો સાથે વાટાઘાટો કરી હતી, કારણ કે તેમને લાગતું હતું કે ભારત સાથે તો ડીલ સહેલાઈથી અને પહેલા જ થઈ જશે. અમેરિકન કોમર્સ સેક્રેટરી અનુસાર ખુલ્લેઆમ કહીએ તો આ (ટ્રેડ ડીલ) તેમની (ટ્રમ્પની) ડીલ છે. તેઓ જ તેને ક્લોઝ કરે છે. બધું સેટ હતું, ફક્ત મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ફોન કરવાનો હતો. ત્રણ શુક્રવારની આપવામાં આવેલી સમયમર્યાદા પૂરી થયા પછી અમે આગલા અઠવાડિયામાં ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ અને વિયેતનામ સાથે ડીલ કરી. અમે અનેક ડીલની જાહેરાત કરી. તેમની સાથે અમે વાટાઘાટો કરી હતી અને ભારત બાબતે એવું માન્યું હતું કે ભારત સાથેની ડીલ તો એ દેશોથી પણ પહેલાં થઈ જશે. તેથી અમે તેમની સાથે વધુ દરે ચર્ચા કરી હતી. પછી ભારત પાછળ હટ્યું હતું.

લટનિકે વધુમાં દાવો કર્યો કે જે શરતો પર ભારત અને અમેરિકા ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવાના હતા, તે શરતો હવે ચર્ચામાં નથી. તેમના જણાવ્યા મુજબ અમેરિકા હવે તે ટ્રેડ ડીલથી પાછળ હટી ગયું છે, જેના પર પહેલાં સહમતી થઈ હતી. હવે અમે તેના વિશે વિચારતા પણ નથી.લટનિકનાં આ નિવેદનો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા પ્રતિબંધ બિલને મંજૂરી આપ્યા પછીના એક દિવસ બાદ આવ્યાં છે. આ બિલ ટ્રમ્પને રશિયાના વેપારી ભાગીદારો પર કડક કાર્યવાહી કરવાની વ્યાપક સત્તા આપે છે, ખાસ કરીને રશિયન તેલ ખરીદવા બદલ દંડ લગાવવાની. રશિયાના વેપારી ભાગીદારોમાં ભારત, ચીન અને બ્રાઝિલનો સમાવેશ થાય છે.