નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં એક રેસ્ટોરાંમાં તંદૂરી રોટી પર થૂંકવાનો ચોંકાવનારો વિડિયો સામે આવ્યો છે. આ વિડિયો વાયરલ થયા બાદ ગાઝિયાબાદમાં ગુરુવારે સાંજે એક ઢાબામાં ખોરાક બનાવતા રસોઈયાની પોલીસે ધરપકડ કરી છે. સોશિયલ મિડિયા પર રસોઈયાનો એક વિડિયો વાયરલ થયો છે, જેમાં તે રોટી બનાવતાં પહેલાં લોટ પર થૂંકતો નજરે પડે છે.
પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના મધુબન બાપુધામ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ, દિલ્હી–મેરઠ રોડ પર વર્ધમાન પુરમ પોલીસ ચોકીની નજીક રોડ પર આવેલા એક ઢાબામાં બની હતી. આ વિડિયો સામે આવ્યા બાદ બહારનું ખાવાનું લઈને લોકોના મનમાં ભય અને નફરત ફેલાઈ ગઈ છે. ગાઝિયાબાદ પોલીસના જણાવ્યા મુજબ કેટલાક ગ્રાહકોએ રસોઈયાને લોટ અને રોટીઓ પર થૂંકતા જોયો હતો.
ત્યાર બાદ લોકોએ આ ઘટનાનો વિડિયો બનાવ્યો હતો, જે બાદમાં સોશિયલ મિડિયા પર ઝડપથી વાયરલ થયો. આ વિડિયોને આધારે પોલીસે આરોપીની ઓળખ કરી અને તેને ધરપકડમાં લીધો. પોલીસના જણાવ્યા મુજબ રસોઈયાની ઓળખ મુરાદનગર કસ્બાના રહેવાસી જાવેદ અંસારી તરીકે થઈ છે.
અસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (કવિનગર) સૂર્યબલી મૌર્યે જણાવ્યું હતું કે ‘ચિકન પોઇન્ટ’ ઢાબાનો માલિક વસીમ નામની વ્યક્તિ છે. તેમણે કહ્યું હતું કે ઘટના સમયે માલિક દુકાન પર હાજર હતો કે નહીં, તેની તપાસ પોલીસ કરી રહી છે. ACPએ ઉમેર્યું કે ઢાબાના લાઇસન્સની માન્યતા પણ તપાસવામાં આવી રહી છે.
SHOCKER! Ghaziabad restaurant staff arrested for allegedly spitting on roti while cooking.
Around 500 people eat here daily. pic.twitter.com/KUoJqga5Qk
— The Tatva (@thetatvaindia) January 9, 2026
અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં માલિકની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે ઢાબાના માલિક સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવા માટે મામલાનો રિપોર્ટ ફૂડ સેફ્ટી અને આરોગ્ય વિભાગોને મોકલી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે આરોપી સામે કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને હવે જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે રેસ્ટોરાં અને ઢાબાઓમાં થૂંકીને રોટી બનાવવાના આવા કેસો અગાઉ પણ સામે આવી ચૂક્યા છે.





