અમદાવાદ: ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશને 69 તળાવોની જાળવણી માટે 6 MoU પર હસ્તાક્ષર કર્યા. આ તળાવો અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આવેલા છે અને કુલ ૨૦ લાખ ચોરસ મીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલા છે. યુ.એન.એમ. ફાઉન્ડેશને અમદાવાદ મહાનગરપાલિકા (એ.એમ.સી.), ગાંધીનગર મહાનગરપાલિકા (જી.એમ.સી.), અમદાવાદ જિલ્લા પંચાયત, ગાંધીનગર જિલ્લા પંચાયત, કલોલ નગર પાલિકા અને માણસા નગર પાલિકા સાથે આ MoU પર હસ્તાક્ષર કર્યા છે.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ચાલી રહેલા “સ્ટાર્ટઅપ કોન્ક્લેવ – 2025” દરમિયાન, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની હાજરીમાં, ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર જીનલ મહેતાએ અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન સાથે MoUનું આદાન-પ્રદાન કર્યું.
આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ; ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને ન્યાય મંત્રી ઋષિકેશભાઈ પટેલ; ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત; સહકાર, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા સહિત અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી.
આ એમ.ઓ.યુ.માં મહત્વપૂર્ણ જળસ્ત્રોતોની જાળવણી માટે યુ.એન.એમ. ફાઉન્ડેશન ભાર મૂકે છે, જેમાં કુદરતી ઇકોસિસ્ટમને પુનર્જીવિત કરીને, શહેરી વાતાવરણમાં સુધારો કરીને અને નાગરિક સમુદાયના ગૌરવને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. નાગરિક દ્રષ્ટિકોણ અને કોર્પોરેટ જવાબદારીને એકસાથે લાવીને, આ એમ.ઓ.યુ. શહેરી વિસ્તારોમાં ઇકોલોજીકલ નવીકરણ માટે યુ.એન.એમ. ફાઉન્ડેશનની વ્યૂહરચનાને સમર્થન આપે છે અને ફાઉન્ડેશનની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
આ સમજુતી કરાર અંગે યુ.એન.એમ. ફાઉન્ડેશનના વાઇસ-ચેરપર્સન સપના મહેતાએ જણાવ્યું હતું કે, “આ કરાર ઇકોલોજીકલ રિન્યુઅલની દિશમાં આપણી સામૂહિક યાત્રા માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. આ વ્યાપક સ્તર પર ઇકોલોજીકલ સિસ્ટમને આગળ વધારવાની અમારી પ્રતિતિ પહેલ અંતર્ગત એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ” હવે નજીકના ભવિષ્યમાં પ્રતિતિ પહેલને મહારાષ્ટ્ર સુધી વિસ્તારવાની યોજના ચાલી રહી છે.




