ટોરેન્ટ ગ્રુપનું નેશનલ રેફરન્સ લેબોરેટરી સાથે ડાયગ્નોસ્ટિક્સ ક્ષેત્રમાં પદાર્પણ

મુંબઈ: ટોરેન્ટ ગ્રુપ દ્વારા ટોરેન્ટ ડાયગ્નોસ્ટિક્સના લોન્ચ સાથે હેલ્થકેર સેવાઓના ક્ષેત્રમાં પદાર્પણની જાહેરાત કરવામાં આવી છે. નવી મુંબઈમાં દેશની સૌથી મોટી નેશનલ રેફરન્સ લેબોરેટરીના પ્રારંભ સાથે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે ડાયગ્નોસ્ટિક્સ સેવાઓના ક્ષેત્રમાં રેફરન્સ-આધારિત મોડલ દ્વારા ટોરેન્ટ ગ્રુપે વિસ્તરણ કર્યું છે. જેમાં સાયન્ટિફિક ગવર્નન્સ અને ઉચ્ચ જટિલતા ધરાવતા પરીક્ષણોને સંસ્થાના કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે.નેશનલ રેફરન્સ લેબોરેટરી ૧,૦૦,૦૦૦ ચોરસ ફૂટથી વધુ વિસ્તાર ધરાવે છે અને ૧૫ ડાયગ્નોસ્ટિક શાખાઓ તથા ૩,૫૦૦થી વધુ ટેસ્ટને સપોર્ટ કરે છે – જેમાં પ્રિવેન્ટિવ, રૂટિન અને વિશેષ પરીક્ષણોનો સમાવેશ થાય છે. ટેસ્ટિંગ સેવાઓમાં મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સ, જિનોમિક્સ, ડિજિટલ પેથોલોજી, માઇક્રોબાયોલોજી, ઇમ્યુનોલોજી, ટ્રાન્સપ્લાન્ટ સંબંધિત પરીક્ષણો અને ચેપી રોગો માટેના વર્કફ્લોઝનો સમાવેશ થાય છે. આ લેબોરેટરી દેશમાં સૌથી વ્યાપક પરીક્ષણ મેનુઓમાંથી એક ઓફર કરે છે, અને અદ્યતન ક્ષમતાઓથી સજ્જ છે – જેમકે નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ, MALDI-TOF, BSL-3 કન્ટેઈનમેન્ટ અને ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે પશ્ચિમ ભારતમાં સૌપ્રથમ વખત એક ડાયગ્નોસ્ટિક્સ લેબમાં ઉપલબ્ધ છે. નેશનલ રેફરન્સ લેબોરેટરીમાં વિવિધ ક્ષેત્રોમાં  કુશળ અને ખૂબ અનુભવી વૈજ્ઞાનિક તથા ટેક્નિકલ ટીમ કાર્યરત છે, જે ચુસ્તપણે  સતત ગુણવત્તા સુનિશ્ચિત કરે છે.

ટોરેન્ટ ડાયગ્નોસ્ટિક્સ દર્દીઓને ઉચ્ચ સ્તરનો અનુભવ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઉચ્ચ ગુણવત્તાવાળા પેશન્ટ સેન્ટર્સ, પ્રશિક્ષિત અને પ્રમાણિત ફ્લેબોટોમિસ્ટ્સ, પેશેન્ટ-ફ્રેન્ડલી રિપોર્ટિંગ ફોર્મેટ અને ગ્રાહક મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઇટ દ્વારા વપરાશકર્તા માટે સાનુકૂળ ડિજિટલ અનુભવ – આ બધું મળીને ગ્રાહક માટે એક ચઢિયાતો અનુભવ સુનિશ્ચિત કરશે.

ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર વરુણ મહેતાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “ડાયગ્નોસ્ટિક્સ એવું ક્ષેત્ર છે જ્યાં પ્રક્રિયાની પારદર્શિતા, વૈજ્ઞાનિક ઊંડાણ અને સમય સાથે જાળવાતી ટકાઉ ગુણવત્તા દ્વારા વિશ્વાસ ઉભો થાય છે. ટોરેન્ટ જ્યારે ડાયગ્નોસ્ટિક્સ ક્ષેત્રમાં પ્રવેશી રહ્યું છે, ત્યારે અમે આ વ્યવસાયને લાંબાગાળાની દૃષ્ટિ સાથે, મજબૂત વૈજ્ઞાનિક આધારથી શરૂ કર્યો છે.  નેશનલ રેફરન્સ લેબોરેટરીને સંસ્થાના કેન્દ્રમાં રાખવાથી અમે આ ક્ષેત્રમાં સૌથી વ્યાપક ટેસ્ટ મેનુમાંથી એક પ્રદાન કરી શકીએ છીએ, તેમજ મજબૂત ગવર્નન્સ માળખું, વેલિડેશન ફ્રેમવર્ક અને ઉચ્ચ ગુણવત્તા ધોરણો નિર્ધારિત કરી શકીએ છીએ. જેમ જેમ સંસ્થા વિકાસ પામે છે, તેમ આ રેફરન્સ આધારિત અભિગમ સુનિશ્ચિત કરે છે કે વિકાસ સાથે ગુણવત્તા, વિશ્વાસ અને ક્લિનિકલ પ્રાસંગિકતામાં કોઈ ઘટાડો ન થાય. અમે અમારા ગ્રાહકોને ઉચ્ચતમ ગુણવત્તા અને સેવા પ્રદાન કરવા આતુર છીએ.”