જાપાન: જન્મ દર સુધારવા માટે રાજધાની ટોક્યોમાં એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આગામી વર્ષથી ઓફિસમાં 4 કામકાજના દિવસનો નિયમ લાગુ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, હવે લોકોએ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ કામ કરવું પડશે. ટોક્યોના ગવર્નર યુરીકો કોઈકે આ જાહેરાત કરી છે. એપ્રિલ, 2025થી કર્મચારીઓ પાસે અઠવાડિયામાં ત્રણ દિવસ રજા લેવાનો વિકલ્પ હશે.જાપાનમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં એવું જોવા મળ્યું છે કે બાળકોના ઉછેરના કારણે લોકોને કારકિર્દી અધવચ્ચે જ છોડી દેવાની ફરજ પડે છે. કારકિર્દીને મહત્વ આપવા માટે યુવાનોમાં સંતાન ન કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આથી કહી શકાય કે બાળકો ન કરવા પાછળનું આ પણ એક મોટું કારણ છે. છેલ્લાં કેટલાંક વર્ષોની નીતિઓને કારણે દેશનો પ્રજનન દર નોંધપાત્ર રીતે નીચે ગયો છે. તેને સુધારવા માટે સ્થાનિક વહીવટીતંત્ર અનેક નવી નીતિઓ લાગુ કરી રહ્યું છે.
ગવર્નર કોઈકેએ જણાવ્યું હતું કે, “આ સમયગાળા દરમિયાન, અમે કામ કરવાની પદ્ધતિઓમાં સુગમતા લાવશું અને સુનિશ્ચિત કરીશું કે કોઈએ બાળકને જન્મ આપવા અથવા તેની સંભાળ લેવાને કારણે તેમની કારકિર્દી છોડવી ન પડે.”
ટોક્યો એડમિનિસ્ટ્રેશન અનુસાર, આ સ્કીમ એવા વાલીઓ માટે પણ મદદરૂપ થશે જેમના બાળકો પ્રાથમિક શાળામાં છે. તેમને ઓછું કામ કરવાનો વિકલ્પ મળશે.ગયા વર્ષે, જાપાનમાં માત્ર 7,27,277 બાળકોના જન્મની નોંધણી થઈ હતી. એવું કહેવાય છે કે આ અછત દેશના ઓવરટાઇમ વર્ક કલ્ચરનું પરિણામ છે. જે મહિલાઓને કારકિર્દી અને કુટુંબ વચ્ચે પસંદગી કરવા દબાણ કરે છે. વિશ્વ બેંકના ડેટા અનુસાર, જાપાનમાં લિંગ રોજગાર અસમાનતા અન્ય શ્રીમંત રાષ્ટ્રોની તુલનામાં વધુ છે, જેમાં મહિલાઓની ભાગીદારી 55% અને પુરુષોની 72% છે.
