આતંકવાદી હુમલામાં આતંકવાદીઓને મદદ કરાનારાઓની થઈ ઓળખ

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાની તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. 27 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારનાર ચાર આતંકવાદીઓને 10થી વધુ મદદગારો સંપર્કમાં હતા.  ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ દ્વારા મુખ્ય શંકાસ્પદ તરીકે 15 સ્થાનિક કાશ્મીરી ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGWs) ની ઓળખ કરવામાં આવી છે.

આ સાથે પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરનારા ત્રણ મુખ્ય શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બે જણની શોધ હજુ ચાલુ છે. અહેવાલો અનુસાર સંસાધનોની વ્યવસ્થા કરવા ઉપરાંત તેમને પાકિસ્તાનથી હથિયારોનો સામાન પણ મળ્યો હતો. અહેવાલો અનુસાર હુમલા પહેલાં અને પછી આ પાંચેય લોકો ઘટનાસ્થળની આસપાસ હતા. તેમના ફોન આ વિસ્તારમાં સક્રિય હતા.

ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ દ્વારા એક ચેટ પણ સામે આવી, જેમાં અટકાયતમાં લેવાયેલા ત્રણ મુખ્ય શંકાસ્પદો એકબીજા સાથે પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ અને તેમને કેવી રીતે મદદ કરવી તે વિશે વાત કરી રહ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે પહેલગામ હુમલામાં પાંચેયની ભૂમિકા દર્શાવતા પૂરતા પુરાવા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે બૈસરન ખીણનાં જંગલોમાં ભાગી ગયેલા આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. નજીકના વિસ્તારો અને જિલ્લાઓમાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ વિશે હજુ સુધી કોઈ પુરાવા મળ્યો નથી, પરંતુ એવી શંકા છે કે તેઓ હજુ પણ ગાઢ જંગલોમાં છુપાયેલા હોઈ શકે છે. દક્ષિણ કાશ્મીરમાં સક્રિય અન્ય OGWs ની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી આ વિસ્તારમાં જોવા મળતા પાકિસ્તાની આતંકવાદીઓની ઓળખ અને તેમના સંભવિત છુપાયેલા સ્થળો વિશે માહિતી મેળવી શકાય.