શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં રાજકીય વર્તુળોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. આજે પાંચ ઓગસ્ટ છે. જેથી પાંચ વર્ષ પહેલાં જમ્મુ-કાશ્મીરનો ઇતિહાસ હંમેશાં માટે બદલાઈ ગયો હતો, કારણ કે આ જ દિવસે કલમ 370 રદ કરવામાં આવી હતી. હવે આ ઘટનાને પાંચ વર્ષ વીતી ગયાં છે અને ફરી આ જ તારીખે જમ્મુ-કાશ્મીરમાં કંઈક મોટું થવાનું છે એવી અટકળો શરૂ થઈ ગઈ છે.
હવે એ મોટું શું હોઈ શકે એ અંગે અટકળો જ ચાલી રહી છે. સૌથી મોટી થિયરી એવી છે કે કદાચ સરકાર ફરીથી જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપે એવી શક્યતા છે.
મોદી-શાહની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી છે. આમ સામાન્ય રીતે થોડા કલાકોના અંતરે દેશમાં બે સૌથી મોટા નેતાઓ રાષ્ટ્રપતિને મળવા જાય એ બહુ ઓછું જોવા મળે છે. આ મુલાકાતો જ એવા સંકેત આપી રહી છે કે જમ્મુ-કાશ્મીર વિશે કંઈ મોટું થવાનું છે.
CM ઉમર અબદુલ્લા, મહેબૂબા મુફ્તી અને કોંગ્રેસ સતત કરતા રાજ્યના દરજ્જા માટે માગ કર્યા કરે છે ગૃહ મંત્રી અમિત શાહ પણ આ મુદ્દે ઘણા વખતથી આશ્વાસન આપી ચૂક્યા છે. વડા પ્રધાન મોદીએ પણ ઘણી ચૂંટણી સભાઓમાં વાયદો કર્યો છે કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો ફરીથી મળશે.
મહેબૂબા મુફ્તીની દીકરી ઇલ્તિજાએ ટ્વીટ કર્યું છે કે આજથી ઠીક છ વર્ષ પહેલાં, એટલે કે 4 ઓગસ્ટ 2019ના દિવસે તમામ લોકોના મનમાં અનિશ્ચિતતા છવાઈ ગઈ હતી. હવે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ગણગણાટ ચાલી રહ્યો છે, જે બતાવે છે કે કંઈ મોટું થવાનું છે.


