કેન્દ્રીય કેબિનેટે આઠમા વેતન પંચને આપી મંજૂરી

નવી દિલ્હીઃ લગભગ એક કરોડથી વધુ કેન્દ્રિય પગારદાર કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોટા ખુશખબર છે. કેન્દ્ર સરકારે મંગળવારે ઔપચારિક રીતે આઠમા વેતન પંચની રચનાને મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ રંજન પ્રકાશ દેસાઈ પંચના અધ્યક્ષ રહેશે, જ્યારે IIM બેંગલુરુના પ્રોફેસર પુલક ઘોષ અને પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય (MoPNG)ના સચિવ પંકજ જૈનને સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભલામણો મોકલવા માટે 18 મહિનાનો સમય

પંચ પોતાની ભલામણો આગામી 18 મહિનામાં સરકારને સુપરત કરશે, જેને આધારે વર્ષ 2027થી વેતન અને પેન્શનમાં વધારો અમલમાં આવી શકે છે. કેબિનેટની બેઠક બાદ જારી થયેલી પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું છે કે આઠમા વેતન પંચ માટે ટર્મ ઓફ રેફરેન્સને મંજૂરી આપવામાં આવી છે. વેતન પંચમાં એક અધ્યક્ષ, એક પાર્ટ-ટાઈમ સભ્ય અને એક સભ્ય સચિવ રહેશે. ગઠન પછી ભલામણો મોકલવા માટે પંચને 18 મહિના સમય આપવામાં આવ્યો છે.

NC-JCM (સ્ટાફ સાઈડ)ના સચિવ શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યા અનુસાર 8મા વેતન પંચ અમલમાં મૂકવામાં ભલે મોડું થાય, પરંતુ તેને એક જાન્યુઆરી 2026થી અસરકારક માનવામાં આવશે, એટલે કે જો મોડું થશે તો 1 જાન્યુઆરી 2026થી કર્મચારીઓને એરિયર્સ સાથે ચુકવણી મળવાની શક્યતા છે.

2027માં એરિયર્સ સાથે વધેલા પગારવધારો

આ પહેલાં 7મા વેતન પંચ લાગુ કરવામાં પણ મોડું થયું હતું અને તે સમયે તમામ કર્મચારીઓને એરિયર્સ આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને પ્રતિનિધિત્વ આપતા ફોરમ NC-JCM તરફથી જાન્યુઆરીમાં જ સરકારને ટર્મ ઓફ રેફરેન્સ આપવામાં આવ્યો હતો.

, દેશમાં વધતી મોંઘવારી અને અન્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને દર 10 વર્ષે નવા વેતન પંચની રચના કરવામાં આવે છે, જેમાં કેન્દ્રીય કર્મચારીઓના વેતન, ભથ્થાં અને સુવિધાઓમાં સુધારા કરવામાં આવે છે. આ હિસાબે જોઈએ તો 1 જાન્યુઆરી 2026થી આઠમા વેતન પંચને અસરકારક માનવામાં આવશે.