વિપક્ષને હારની કળ નથી વળી, ત્યાં 43 ઉમેદવારોએ પાલો બદલ્યો

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મોટી હારને એક વર્ષ વીતી ગયું હોવા છતાં વિરોધ પક્ષ મહા વિકાસ અઘાડી (MVA) પોતાના ટેકેદારોને એકત્ર રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. તેના 43 ઉમેદવારો સત્તારૂઢ મહાયુતિમાં જોડાઈ ગયા છે, જેમાંથી મોટા ભાગના ભાજપમાં સામેલ થયા છે. જોકે મહાયુતિના કેટલાક ઘટક પક્ષોના કેટલાક ઉમેદવારોએ પણ ચૂંટણી પછી પક્ષ બદલ્યો છે.

એક વિશ્લેષણ અનુસાર કુલ 46 રનર-અપમાંથી 26 ભાજપમાં જોડાયા છે, જ્યારે મહાયુતિના સાથીદાર અજિત પવારની આગેવાનીવાળી NCPમાં 13 અને એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેનામાં સાત ઉમેદવારો જોડાયા છે.

2024 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો

વર્ષ 2024ની વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિએ રાજ્યની 288માંથી 235 બેઠકો જીતી હતી. ભાજપને 132 બેઠકો, શિવસેનાને 57 અને NCPને 41 બેઠકો મળી હતી. MVA ફક્ત 50 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું, જેમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના (UBT), કોંગ્રેસ અને શરદ પવારની આગેવાનીવાળી NCP (SP)ને અનુક્રમે 20, 16 અને 10 બેઠકો મળી હતી. આ દળબદલ મુખ્યત્વે તે વિસ્તારમાં થયા છે જેને પરંપરાગત રીતે શિવસેના (UBT)નો ગઢ માનવામાં આવે છે.

વિધાનસભા ચૂંટણીમાં ભારે જીત બાદ મહાયુતિના પક્ષોએ પોતાના આધારને મજબૂત બનાવવાના પ્રયાસો વધાર્યા છે. NCPના એક વરિષ્ઠ નેતાએ કહ્યું, હતું કે વિરોધ પક્ષના નેતાઓને પોતાની તરફ આકર્ષવાથી ઘણા હેતુઓ પૂરા થાય છે.

સૌથી વધુ નુકસાન શિવસેના (UBT)ને

MVAના ઘટકોમાં, શિવસેના (UBT)ને સૌથી મોટું નુકસાન થયું છે. તેના 19 રનર-અપ ઉમેદવારો ચૂંટણી બાદ મહાયુતિમાં જોડાઈ ગયા છે. NCP (SP)ના 13 અને કોંગ્રેસના 10 ઉમેદવારો પણ દળબદલ કરી ચૂક્યા છે. MVA સમર્થિત ત્રણ નિરપેક્ષ અને PWP (પીજન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટી)નો એક રનર-અપ પણ મહાયુતિમાં જોડાયો છે.