અગ્નિકાંડ બાદ જાગી સરકાર, કલેક્ટરને કર્યા નવા આદેશ

રાજકોટમાં જોવા મળેલી તંત્રની બેદરકારી બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. 25મી મેના રોજ રાજકોટમાં TRP અગ્નિકાંડમાં 28 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે વારંવાર દુર્ઘટના થતી તંત્રની બેદરકારીથી જનતા રોષે ભરાયેલી છે.

રાજ્ય સરકારે તમામ કલેક્ટોરોને આદેશ કર્યા છે. સરકારે આળસ ખંખેરી અને સક્રિયતા બતાવવાની શરૂઆત કરી છે. આજે રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને જેની પાસે ફાયર NOC ના હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કર્યો છે. સરકારે કલેક્ટરોને આદેશ આપવાની સાથે તમામ કલેક્ટરોએ પોલીસને દોડતી કરી છે. જેમાં ગુના નોંધવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરી અને કડક પગલાં ભરવા આદેશ કર્યા છે. રાજકોટની ઘટનાનું રાજ્યમાં ફરીથી પુનરાવર્તન ન થાય તેની ધ્યાન રાખવા માટે સરકારે આદેશ કર્યા છે. રાજ્યમાં તમામ શહેરના મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, થિયેટર,ફૂડ માર્કેટ, વસ્તી ગીચતા ધરાવતા માર્કેટ, ગેમ ઝોન સહિતના તમામ સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં પ્રજા એકઠી થાય છે એ તમામ સ્થળોની ચકાસણી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

સરકારના આદેશ અનુસાર તમામ કલેક્ટરોને મામલતદાર-નાયબ મામલતદાર અને પોલીસને દોડતી કરી છે. તમામ વિભાગ સંયુક્ત તપાસ હાથ ધરશે અને જે તે એકમમાં ફાયર એનઓસીની ચકાસણી કરશે. જો કોઈ એકમ પાસે ફાયર એનઓસી નહિ હોય તો જે તે એકમ સામે તાત્કાલિક ગુનો નોંધવા માટેની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. આ સૂચના નો અમલ પણ તાત્કાલિક ધોરણે કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.