બાંદાઃ સોશિયલ મિડિયાની લત અને રીલ બનાવવાના જુસ્સાનો એક અત્યંત દુઃખદ બનાવ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં સામે આવ્યો છે. અહીં વિડિયો બનાવવાના પ્રયાસ દરમિયાન એક યુવતીએ ફાંસી લગાવી લીધી. આ ઘટનાના બાદ પરિવાર આઘાતમાં છે.
પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે 27 વર્ષની મોહિની પોતાના ઘરમાં વિડિયો બનાવવાનો પ્રયાસ કરી રહી હતી. પરિવારજનોના કહેવા પ્રમાણે આ વિડિયો ફાંસીના સીનને દર્શાવવા માટે બનાવવામાં આવી રહ્યો હતો. તેણે ગળામાં ફાંસો બાંધીને મોબાઇલ ફોનથી વિડિયો રેકોર્ડ કરવા માટે સ્ટુલ પર ઊભી રહી, પરંતુ થોડી જ પળોમાં પરિસ્થિતિ ભયાનક બની ગઈ. તે પગ લપસવાથી કે સંતુલન ગુમાવવાથી નીચે સરકી ગઈ — એ સ્પષ્ટ નથી,પરંતુ ફાંસો ગળામાં કસાતાં ઘટના જીવલેણ સાબિત થઈ અને થોડી જ સેકન્ડોમાં તેનું મોત થયું હતું.

આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે મોહિનીની ચાર વર્ષની દીકરી રૂમમાં પ્રવેશી. માતાને ફાંસી પર લટકતી જોઈ બાળકી બૂમો પાડી મદદ માટે રડવા લાગી. તેની ચીસો સાંભળીને પડોશીઓ દોડી આવ્યા અને દ્રશ્ય જોઈ હેરાન રહી ગયા હતા.
પોલીસ માહિતી મળતાં જ તાત્કાલિક સ્થળ પર પહોંચી, મૃતદેહને ફાંસીથી નીચે ઉતારી કબજામાં લીધો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. અધિકારીઓએ જણાવ્યું કે મામલાની તમામ દિશામાં તપાસ ચાલી રહી છે, પરંતુ પ્રાથમિક તપાસ મુજબ રીલ શૂટિંગ દરમિયાન બનેલી આ એક દુર્ઘટના હોવાનું માનવામાં આવે છે.




