ગ્લોબલ રિઝર્વ કરન્સી તરીકે ડોલરનું પ્રભુત્વ ચાલુ રહેશે

નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષકુમાર ચૌહાણે તાજેતરમાં સિંગાપોરમાં એક પેનલ ડિસ્ક્શનમાં વૈશ્વિક બજારોમાં સત્તાનાં સમીકરણોમાં થઈ રહેલા ફેરફાર, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની બદલાતી ભૂમિકા અને ટેકનોલોજીને પગલે બદલાઈ રહેલા મૂડીવાદના સ્વરૂપ વિશેનાં જે નિરીક્ષણો રજૂ કર્યાં.વોલેટિલિટીને પ્રગતિના ધબકાર તરીકે જુઓ

તીવ્ર વધઘટ (વોલેટિલિટી)એ આર્થિક જીવનનો આંતરિક હિસ્સો છે. જીવન પોતે વોલેટાઈલ છે. જેમ હૃદયમાંથી ધબકાર ગાયબ થઈ જાય, તો જીવન ન ટકે એમ વોલેટિલિટી વિના બજાર બંધિયાર થઈ જાય. વોલેટેલિટી એ સમસ્યા નથી. ખરી સમસ્યા તો  વોલેટિલિટીને અંકુશમાં રાખવાની છે.

બજારની અપેક્ષાઓ અને પાયાના આર્થિક નિર્દેશાંકો વચ્ચે મોટું અંતર હોય. ત્યારે બજારમાં મોટી ઊથલપાથલ થાય છે. જ્યારે પણ બજારની અપેક્ષાઓ વાસ્તવિકતાથી અધિક હોય ત્યારે બજારમાં ઝડપી ઘટાડો આવે છે. વ્યક્તિઓ, વર્ગો અને રાષ્ટ્રો વચ્ચેનો સંવાદ બજારનું ચાલકબળ છે. પરંપરાગત આર્થિક નિર્દેશાંકો કરતાં હવે ભૂરાજકીય પરિવર્તનોની બજારો પર વધુ અસર થાય છે. ભૌગોલિક રાજકારણ  હવે અર્થકારણનો ભોગ લે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ, વિશ્વ આરોગ્ય સંસ્થા, વિશ્વ વેપાર સંસ્થા જેવી મહત્ત્વની વૈશ્વિક સંસ્થાઓની પડતી થઈ રહી હોવાથી દુનિયા ઝડપથી નિયમબદ્ધ પ્રણાલીઓથી દૂર જઈ રહી છે અને વ્યવહારુ વ્યવસ્થા ભણી જઈ રહી છે.

એક સમયે વિશ્વના આર્થિક સંચાલનનું કેન્દ્ર હતું. તે યુનાઈટેડ સ્ટેટ્સ-અમેરિકા અત્યારે આઈડન્ટિટીની કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. દસકાઓ સુધી વૈશ્વિક સંસ્થાઓને પીઠબળ પૂરું પાડ્યા બાદ વોશિંગ્ટન અત્યારે પાછળ હટી રહ્યું છે અને ચીન અને ભારત જેવી ઊભરતી સત્તાઓને અવકાશ ભરવા માટેની ફરજ પાડી રહ્યું છે. જોકે સત્તાનું આ સંક્રમણ અવરોધહીન  કે ધારણા પ્રમાણેનું નહિ હોય.સંપત્તિ સર્જન માટે મોટી જ મુડી જરૂરી નથી

આજે આપણે જોઈ રહ્યા છીએ કે મૂડી વગરના મૂડીવાદનો ઉદય થઈ રહ્યો છે. આર્થિક વિકાસ માટે વિરાટ પાયે મૂડીરોકાણ કરવાની આવશ્યકતા છે એવો પરંપરાગત મત છે. કાર્લ માર્કસે તેની વિખ્યાત થિયરીમાં કહ્યું છે કે મૂડી દ્વારા અધિક મૂડીનું સર્જન થાય છે. જોકે ટેકનોલોજીએ આ મોડેલનું ખંડન કર્યું છે. આજે સંપત્તિ સર્જન માટે તમારી પાસે બહુ બધી મૂડી હોવી જરૂરી નથી. અત્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ , બ્લોકચેઈન અને ડિજિટલ પ્લેટફોર્મ્સે આખી રમત જ એવી ફેરવી નાખી છે કે ઓછી મૂડીએ વેપાર ઝડપથી વધારી શકાય છે. આની સાબિતી એ છે કે ભારતમાં સ્ટાર્ટઅપ્સનું ચિત્ર બદલાઈ રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં એનએસઈ (નેશનલ સ્ટોક એકસચેંજ) પર 200થી અધિક માઈક્રો-આઈપીઓ લિસ્ટ થયા છે.

 શેરબજારમાં લાંબાગાળાના રોકાણનું અધિક પ્રમાણ

ભારતના શેર બજારમાં શોર્ટ-ટર્મ ટ્રેડર્સનું અધિક પ્રમાણ છે એવી જે માન્યતા વિશ્વમાં પ્રવર્તે છે એનું હું ખંડન કરું છું. 11 કરોડ બજાર સહભાગીઓમાંથી આશરે બે ટકા ડેરિવેટિવ્ઝના ટ્રેડિંગમાં સક્રિય છે. મોટા ભાગના રોકાણકારો લોંગ ટર્મ ઈન્વેસ્ટર્સ છે.

ડિજિટલ ભૂમિમાં સાબર યુદ્ધ

નાણાકીય બજારોના વધી રહેલા ડિજિટલાઈઝેશનને પગલે અભૂતપૂર્વ સાઈબર ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એનએસઈ પ્રતિદિન 4થી 10 કરોડ સાઈબર હુમલાઓનો સામનો  કરે છે. નિયામકો અને સંસ્થાઓએ અતિ સાવધ રહેવું પડશે.  ડીપફેક ટેકનોલોજી આવી એ પછી તો આ પડકારો વધી ગયા છે. આવી ખોટી માહિતીનો પ્રસાર નાણાકીય અંખડિતતા સામેનો મોટો ભય છે. હું સ્ટોક્સની ભલામણ કરતો હોંઉ એવા બનાવટી વિડીયો પણ ફરતા થયા છે.

ડોલરનું ભાવિ શું હોઈ શકે?

અમેરિકી ડોલર વૈશ્વિક ચલણ તરીકેનું તેનું પ્રભુત્વ જાળવી રાખશે, કારણ કે તેનો અત્યારે કોઈ વિકલ્પ નથી. બીજા વિશ્વ યુદ્ધ બાદ અમેરિકાએ બ્રિટિશ પાઉન્ડના ગ્લોબલ રિઝર્વ કરન્સી તરીકેના સ્થાનને સાવચેતીપૂર્વક લઈ લીધું હતું. આજે કોઈ અન્ય દેશ એ ભૂમિકા ભજવવા તૈયાર નથી. આર્થિક તાકાત હોવા છતાં ચીન ગ્લોબલ રિઝર્વ કરન્સીનું સ્થાન લઈ શકે એમ નથી કારણ કે તેનામાં આર્થિક ખુલ્લાપણાનો અભાવ છે. જ્યાં સુધી અન્ય રાષ્ટ્ર આવશ્યક આર્થિક અને રાજકીય માળખા સાથે આગળ ન આવે ત્યાં સુધી બાય ડિફોલ્ટ ડોલરનું પ્રભુત્વ ચાલુ રહેશે.

વિશ્વ અત્યારે મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. પરંપરાગત સત્તા માળખાં વર્ચસ ગુમાવી રહ્યાં છે અને ટેકનોલોજી નાણાકીય મોડેલ્સને તળેઉપર કરી રહી છે એથી મૂડીબજારનું ભવિષ્ય અગાઉ કરતાં વધુ અનિશ્ચિત બન્યું છે. વોલેટિલિટી એ પ્રગતિ માટે ચૂકવવામાં આવતી કિંમત છે.

આ મુશ્કેલ સમયનો સામનો કરવા માટેની ગુરુ ચાવી એ છે કે પરિવર્તનને અનુકૂળ બનવું. ઈતિહાસે દર્શાવ્યું છે કે જે લોકો પરિવર્તનને સ્વીકારે છે એમની અંતે જીત થાય છે.

(આશિષકુમાર ચૌહાણ)

(લેખક આશિષકુમાર ચૌહાણ નેશનલ સ્ટોક એક્સચેન્જના MD અને CEO છે.)