ડ્રગ્સ કેસ મામલે મમતા કુલકર્ણીનેે લઈ કોર્ટે આપ્યો નિર્ણય, શું હતો સમગ્ર મામલો?

મુંબઈ: અભિનેત્રી મમતા કુલકર્ણીને ડ્રગ સંબંધિત કેસમાં મોટી રાહત મળી છે. હાલમાં જ બોમ્બે હાઈકોર્ટે સંપૂર્ણ પુરાવાના અભાવે કુલકર્ણી વિરુદ્ધ નોંધાયેલ FIR રદ કરી દીધી છે. અભિનેત્રી મમતાએ અરજી કરી હતી અને કહ્યું હતું કે તેને ડ્રગ્સ કૌભાંડમાં ફસાવવામાં આવી રહી છે. તેમની અરજી પર સુનાવણી કર્યા પછી બોમ્બે હાઈકોર્ટે નવો નિર્ણય લીધો છે અને કુલકર્ણીને ડ્રગ્સ કેસમાં નિર્દોષ જાહેર કરી છે કારણ કે એફઆઈઆરમાં તેમની વિરુદ્ધ કરવામાં આવેલા આરોપો સિવાય તેમની વિરુદ્ધ કોઈ પુરાવા નથી.

મમતા કુલકર્ણીને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી છે
હાઈકોર્ટે મમતા કુલકર્ણી સામે ચાલી રહેલા 2000 કરોડ રૂપિયાના ડ્રગ સ્મગલિંગ કેસને રદ કરી દીધો છે. અભિનેત્રી પર તેના પતિ વિકી ગોસ્વામી સાથે ડ્રગ્સ સ્મગલિંગનો આરોપ હતો. કોર્ટે કહ્યું કે મમતા વિરુદ્ધ પૂરતા પુરાવા નથી. આ કારણોસર આ કેસ બંધ છે. જસ્ટિસ ભારતી ડાંગરે અને જસ્ટિસ મંજુષા દેશમુખની ખંડપીઠે કુલકર્ણી સામેના ડ્રગ્સ કેસને રદ કર્યો છે.

મમતા કુલકર્ણી ડ્રગ્સના કેસમાં નિર્દોષ જાહેર
તમને જણાવી દઈએ કે અભિનેત્રી મમતા કુલકર્ણીએ પતિ સાથે કેન્યા શિફ્ટ થતા પહેલા 50 હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેત્રીનો પતિ વિકી ગોસ્વામી ડ્રગ માફિયા છે જે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 હેઠળ નિયંત્રિત પદાર્થ એફેડ્રિનના ઉત્પાદન અને પ્રાપ્તિ પાછળ કથિત માસ્ટરમાઇન્ડ તરીકે ફસાયેલ છે. આ કેસમાં અભિનેત્રીના વકીલે વર્ષ 2018માં હાઈકોર્ટમાં અરજી કરી હતી. અભિનેત્રીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે તેના પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે અને તે આ કેસમાં નિર્દોષ છે. અભિનેત્રીએ તેની સામેનો કેસ રદ કરવાની પણ માંગ કરી હતી.

શું હતો સમગ્ર મામલો?

સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલી અભિનેત્રી મમતા કુલકર્ણી 2016 ના ડ્રગ સ્મગલિંગ કેસમાં આરોપીઓમાંની એક હતી જેમાં 2000 કરોડ રૂપિયાનું એફેડ્રિન જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસ મામલે તેની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.

મમતા કુલકર્ણીએ રાજ કુમાર અને નાના પાટેકરની 1992માં આવેલી ફિલ્મ ‘તિરંગા’થી ડેબ્યૂ કર્યું હતું. મમતાએ 1990ના દાયકામાં ‘કરણ અર્જુન’, ‘ક્રાંતિવીર’, ‘વક્ત હમારા હૈ’, ‘સબસે બડા ખિલાડી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.