મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં 20 વર્ષ પછી મોટો ફેરફાર થવાનો છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ફરી એક જ મંચ પર સાથે જોવા મળવાના છે. તેઓ વિજય રેલીમાં ભાગ લેશે. આ માટે NSCI ડોમમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મરાઠી લેખકોથી લઈ કલાકારોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. આ મંચ પર સુપ્રિયા સુલે પણ હાજર રહેશે, જે ઉદ્ધવ અને રાજથી પહેલાં સંબોધન કરશે.
ઉદ્ધવ અને રાજ ઠાકરેની પાર્ટીઓ જોર આપી રહી છે કે મહારાષ્ટ્રમાં કોઈ પણ વ્યકિત પર હિન્દી થોપી નહીં શકાય. હવે સમજવાની વાત એ છે કે વર્ષો સુધી જુદાં રહેલા ઠાકરે ભાઈઓ મહાયુતિ સરકારના એક નિર્ણયના કારણે માત્ર સાથે નથી આવ્યા, પણ તેમના એકતાએ સરકારને બેકફૂટ પર જવા મજબૂર કરી દીધીં છે.
અંતે કેવી રીતે મળ્યા ઠાકરેભાઈઓ?
આ વિવાદ ત્રણ ભાષા ફોર્મ્યુલાને લઈને શરૂ થયો હતો. નવી શિક્ષણ નીતિ અનુસાર મહારાષ્ટ્રમાં પ્રથમ ધોરણથી વિદ્યાર્થીઓને હિન્દી ભણવી પડશે, અને તેને ત્રીજી ભાષા તરીકે સ્થાન અપાયું હતું. પરંતુ જ્યારે તેનો ભારે વિરોધ થયો, ત્યારે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીઓએ આને હિન્દી થોપવાનું ષડયંત્ર ગણાવીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યાં. પરિણામે, ફડણવીસ સરકારને પીછેહઠ કરવી પડી.હાલ મહારાષ્ટ્રની શાળાઓમાં હિન્દી ફરજિયાત નહીં રહે. એક સમિતિની રચના કરવામાં આવી છે અને એ સમિતિનાં સૂચનોને આધારે જ આગળનો નિર્ણય લેવાશે, પરંતુ આ યુ-ટર્નને ઉદ્ધવ અને રાજ ઠાકરે તેમની મોટી જીત ગણાવી રહ્યા છે. રાષ્ટ્રીય રેલી પહેલાં તે જ તારીખે તેઓ સૌથી મોટું વિરોધ પ્રદર્શન પણ કરવા માગતા હતા, પણ હવે સરકારે પારોઠનાં પગલાં ભરતાં આને ‘વિજય રેલી’ નામ આપવામાં આવ્યું છે.
