કાશ્મીરમાં આતંકવાદીઓએ પર્યટકો પર કર્યો ગોળીબાર: છ ઘાયલ

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો છે. આ હુમલામાં કુલ છ લોકો ઘાયલ થયા છે. ચાર પ્રવાસી અને બે ઘોડાવાળા ઘાયલ થયા છે. આ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હજી ઘાયલોની સંખ્યા વધી શકે છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

અહીં આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથને નિશાન બનાવ્યું હતું. આ વિસ્તારમાં સુરક્ષા દળોએ મોરચું સંભાળી લીધો છે અને આતંકવાદીઓની શોધ માટે તલાશી અભિયાન ચાલી રહ્યું છે.પહેલગામ પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય છે અને અહીં ગરમીના મોસમમાં મોટી સંખ્યામાં ટૂરિસ્ટ ફરવા આવે છે. આતંકવાદીઓએ જેને નિશાન બનાવ્યા તે પ્રવાસીઓનું જૂથ રાજસ્થાનનં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ હુમલામાં બે પ્રવાસીઓની હાલત ગંભીર છે. જોકે અત્યાર સુધી કોઈ સત્તાવાર આંકડો સામે આવ્યો નથી કે કુલ કેટલા પ્રવાસી ઘાયલ થયા છે. ઘાયલોની સંખ્યા વધી પણ શકે છે.

તાજેતરમાં પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે હિન્દુઓને લઈને ઉશ્કેરણીભર્યું નિવેદન આપ્યું હતું. એ  પછી જ આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા છે. એ સાથે જ અમરનાથ યાત્રા પણ થોડા દિવસોમાં શરૂ થવાની છે. આ સિવાય આતંકવાદીઓએ પ્રવાસીઓને એવા સમયે નિશાન બનાવ્યા છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુસ્લિમ દેશ સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા છે.