પહેલગામના હુમલામાં સામેલ આતંકવાદીઓની ઓળખ કરાઈ

શ્રીનગરઃ પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓના ફોટો હવે સામે આવી ચૂક્યા છે. સેના અને સ્થાનિક પોલીસની વિશેષ ટીમ આ આતંકવાદીઓની તપાસ માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ હુમલામાં છ આતંકવાદીઓ સામેલ હોવાની શક્યતા છે. સુરક્ષા એજન્સીઓએ આ પહેલાં આતંકવાદીના ત્રણ સ્કેચ પણ જારી કર્યા છે. પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત લશ્કરે તૈયબા (LET)થી જોડાયેલા ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટ (TRF)એ હુમલાની જવાબદારી લીધી છે.

આ આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન સાહ અને અબુ તલહાના રૂપમાં કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓને વીણી-વીણીને ગોળબાર કર્યા હતા. આ આતંકવાદીઓ નજીકની પહાડી જંગલમાં સંતાઈ ગયા છે.

કોણ છે TRF?

જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની જવાબદારી TRFએ લીધી છે. ટાર્ગેટ કિલિંગ જેવા અનેક કિસ્સામાં TRF સામેલ છે. સોશિયલ મિડિયા પર તેઓ એક્ટિવ છે. કાશ્મીરની અંદર ચાલતી દરેક ગતિવિધિઓ પર નજર રાખે છે. અગાઉ તેણે પોતાની હિટ લિસ્ટ પણ જારી કરી હતી. આ લિસ્ટમાં ભાજપના નેતાઓ, સેના અને પોલીસ અધિકારીઓનાં નામ સામેલ છે.

હુમલાનો માસ્ટર માઇન્ડ સૈફુલ્લાહ ખાલિદ કોણ છે?

જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં લોકોને તેમનાં નામ પૂછીને ગોળી મારવામાં આવી છે. આ આતંકવાદી હુમલાની જવાબદારી ધ રેજિસ્ટન્સ ફ્રન્ટે લીધી છે. તેનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ આ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. તેનું કનેક્શન હાફિઝ સઈદ સાથે છે. સૈફુલ્લાહને પાકિસ્તાન તરફથી સમર્થન મળે છે. તેના પાકિસ્તાની સેના સાથે સારા સંબંધ છે. તે પાકિસ્તાનમાં જેહાદી ભાષણ આપી ત્યાંના નાગરિકો અને સેનાને ભડકાવવાનું કામ કરે છે. નવયુવાનોનું બ્રેઇનવોશ કરી તેમને આતંકવાદી બનવા મજબૂર કરે છે. સૈફુલ્લાહે બે મહિના પહેલાં જ પાકિસ્તાનના પંજાબના કંગનપુરમાં એક જેહાદી ભાષણ આપ્યું હતું.