તેજસ્વીના સરકારી નોકરીના ચૂંટણી વચનથી મહાગઠબંધનમાં તિરાડ

પટનાઃ બિહારમાં ચૂંટણીની તારીખો જાહેર થયા પછી રાજકીય ગરમાટો આવ્યો છે. ક્યારેક બેઠકોને લઈને વિવાદ ઊભો થાય છે તો ક્યારેક નવાં ચૂંટણી વચનોની ઘોષણાઓ થાય છે. ગુરુવારે મહાગઠબંધનની તરફથી CMનો ચહેરો ગણાતા RJD નેતા તેજસ્વી યાદવે બિહારમાં ‘દરેક ઘરે સરકારી નોકરી’ આપવાનું વચન કર્યું હતું,, પરંતુ આ જાહેરાત પર મહાગઠબંધન એકજૂટ દેખાતું નથી. કોંગ્રેસના નેતા અને પુરણિયાના સાંસદ પપ્પુ યાદવે કહ્યું હતું કે બિહારમાં સરકારી નોકરીનો મુદ્દો જ નથી.

 ‘સરકારી નોકરી મુદ્દો નથી’

પટનામાં મિડિયાથી વાત કરતા પપ્પુ યાદવે કહ્યું હતું કે અહીં સરકારી નોકરી મુદ્દો જ નથી. સરકારી નોકરીનો કોઈ મામલો નથી. તેજસ્વી યાદવનું કહેવું એ છે કે રોજગાર આપશે. તેનો સંદર્ભ સરકારી નોકરીથી નથી.

અશોક ગેહલોતે પણ નથી આપ્યો ટેકો

માત્ર પપ્પુ યાદવ જ નહીં, પરંતુ બિહાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના વરિષ્ઠ પ્રભારી અશોક ગેહલોતે પણ તેજસ્વી યાદવના આ વચનનું સમર્થન કર્યું નથી. તેમણે કહ્યું હતું કે થોડી રાહ જુઓ, ઘોષણાપત્ર આવવાનો છે, તેમાં બધું સ્પષ્ટ થઈ જશે. જોકે  પત્રકારોએ સીધો સવાલ કર્યો હતો કે મેનિફેસ્ટો પહેલાં તેજસ્વી યાદવ ઘોષણાઓ કરતા જાય છે, તો શું મહાગઠબંધનમાં બધું ઠીક નથી?

એના જવાબમાં અશોક ગેહલોતે કહ્યું હતું કે કેટલીક વસ્તુઓ એવી છે જે આપણે હાંસલ કરવા માગીએ છીએ અને બતાવવા માગીએ છીએ કે સરકાર બન્યા બાદ આ બાબતો અમલમાં મૂકીશું. પરંતુ અંતે જ્યારે મહાગઠબંધનનો ઘોષણાપત્ર આવશે, ત્યારે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.