તેજસ્વીનું દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનું ચૂંટણીવચન

પટનાઃ RJD નેતા તેજસ્વી યાદવે જાહેરાત કરી છે કે જો બિહારમાં તેમની સરકાર બનશે તો રાજ્યના દરેક એવા પરિવારોને સરકારી નોકરી આપવામાં આવશે, જેમના ઘરેથી હાલ કોઈ સરકારી નોકરી નથી. તેમણે કહ્યું હતું કે નવી સરકાર બન્યા બાદ 20 દિવસની અંદર આ માટે નવો અધિનિયમ બનાવવામાં આવશે અને 20 મહિનામાં બિહારમાં એવું એક પણ ઘર નહીં રહે, જેના ઘરે સરકારી નોકરી ના હોય.

તેમણે કહ્યું હતું કે આ શક્ય છે, ફક્ત ઇચ્છાશક્તિ જોઈએ. છેલ્લાં 20 વર્ષની સરકાર પાસે એ ઇચ્છાશક્તિ નહોતી. અમે જે માર્ગ બતાવ્યો તેની નકલ તેમણે કરી. અમે જે યોજનાઓ જાહેર કરી, તે સૌની નકલ તેમણે ઉતારી. લોકો છેલ્લાં 20 વર્ષથી પાકા મકાનની રાહ જોઈ રહ્યા છે. અમે 20 મહિનામાં દરેક ઘરને સરકારી નોકરી આપીશું.

20 વર્ષની એનડીએ સરકારે દરેક ઘરને પાકું મકાન કે સસ્તું રાશન પહોંચાડવામાં નિષ્ફળ રહી છે, પરંતુ અમારી સરકાર દરેક પરિવારને એક સરકારી નોકરી આપશે. નોકરીથી દરેક કમી આપોઆપ પૂરી થઈ જશે. આ સરકારે દરેક ઘરમાં સુરક્ષાનો ડર અને બેરોજગારીનો ખોફ આપ્યો છે, એમ તેમણે કહ્યું હતું.

‘જોબ એટલે જશ્ન-એ-બિહાર’

તેજસ્વી યાદવે કહ્યું હતું કે દરેક ઘરને સરકારી નોકરી એટલે જશ્ન-એ-બિહાર. હવે એક કે બે લોકો નહીં, પણ આખી બિહાર સરકાર દરેક ઘરના લોકો ચલાવશે. દરેક ઘરમાં સરકારી નોકરીનો અર્થ એ છે કે દરેક ઘરની વ્યક્તિ સરકાર ચલાવવામાં ભાગ લેશે. તેમણે કહ્યું હતું  કે સરકારમાં ભાગીદારી, દરેક યુવાની ભાગીદારી, તેથી તેજસ્વી સરકાર આપશે દરેક પરિવારને નોકરી સરકારી.