નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીવચન પૂરું કરતાં મેક્સિકો, કેનેડા અને ચીનથી આયાતી માલસામાન પર ટેરિફ લગાવવાનું એલાન કર્યું છે. આ ટેરિફ બીજી ફેબ્રુઆરી, 2025થી લાગુ થશે. ટ્રમ્પે સ્વીકાર કર્યો હતો કે આ પગલું ટૂંકા ગાળા માટે અમેરિકી ગ્રાહકો માટે મોંઘું થવાની શક્યતા છે. જોકે તેમણે અમેરિકાને ફરીથી મહાન બનાવવાની દિશામાં જરૂરી પગલું ગણાવ્યું હતું.
કેનેડા અને મેક્સિકોથી આયાત થતા માલસામાન પર 25 ટકા ટેરિફ લાગશે. કેનેડાથી આવતી એનર્જી ચીજવસ્તુઓ પર 10 ટકા ટેરિફ લાગશે. ચીનથી આયાત થતી ચીજવસ્તુઓ પર 10 ટકા ટેરિફ લાગશે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આ નિર્ણયથી અમેરિકી અર્થતંત્રને નુકસાન થશે. આ નિર્ણયથી રિટેલમાં ચીજવસ્તુઓની કિંમત વધી જશે. ફૂડ પ્રોડક્ટ, ફ્યુઅલ, કાર દારૂ, ઇલેક્ટ્રોનિક્સ, રમકડાં અને ઘર બનાવવામાં વપરાતો માલસામાન મોંઘો થશે.
મેક્સિકો ને કેનેડા અમેરિકી બજારોમાં ફળો, શાકભાજી, અનાજ, માંસ અને ડેરી ઉત્પાદનોના સૌથી મોટા સપ્લાયર છે. મેક્સિકોથી આવનારાં ફળો ને શાકભાજીઓ પર વધુ ચાર્જથી અમેરિકી કરિયાણા બજારમાં કિંમતો વધવાની શક્યતા છે. મેક્સિકો 2024માં અમેરિકામાં 46 અબજ ડોલરના એગ્રિકલ્ચર પ્રોડક્ટ નિકાસ કરી ચૂક્યું છે. એમાં 8.3 અબજ ડોલરની તાજી શાકભાજી, 5.9 અબજ ડોલરથી બીયર ને પાંચ અબજ ડોલરની ડિસ્ટિલ્ડ સ્પિરિટ્સ સામેલ છે. આ સાથે એવાકાડો, ટામેટાં અને તાજાં ફળોની કિંમતોમાં નોંધપાત્ર વધારો થશે.
કેનેડા અમેરિકાને ઓઇલ અને ગેસનું સૌથી મોટું સપ્લાયર છે. 2024માં અમેરિકાએ કેનેડાથી 97 અબજ ડોલર મૂલ્યું ઓઇલ અને ગેસ આયાત કર્યું છે. નવા 10 ટકા ટેરિફથી અમેરિકી ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રીઝ પર અસર પડશે, કેમ કે અમેરિકાની 60 ટકા ઓઇલ સપ્લાય કેનેડાથી થાય છે. એનાથી અમેરિકામાં પેટ્રોલ અને ડીઝલની કિંમત વધવાની સંભાવના છે.