ગાંધીનગર: સ્વદેશી આત્મનિર્ભર ભારતનો આધાર છે, આ ભાવનાને જીવંત કરવા માટે સ્ટેચ્યુ ઑફ યુનિટીના એકતા નગર ખાતે ‘ભારત પર્વ–૨૦૨૫’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ પર્વમાં દેશના દરેક ખૂણેથી આવેલા હસ્તકલા કલાકારો, કારીગરો અને ઉદ્યોગકારોએ પોતાના સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું. ‘વોકલ ફોર લોકલ’ના સૂત્રને આગળ ધપાવતા આ ઉત્સવમાં સ્થાનિક ઉત્પાદન અને પરંપરાગત કારીગરીને વૈશ્વિક મંચ મળ્યું. નર્મદા નદીના કિનારે આવેલું એકતા નગર સ્વદેશી ભાવનાથી ઝળહળતું જોવા મળ્યું. સ્ટોલો પર યુવા ઉદ્યોગકારો, મહિલા સ્વયંસહાય જૂથો અને હસ્તકલા કલાકારોએ પોતાના હાથની કળા દ્વારા દેશના સમૃદ્ધ વારસાને ઉજાગર કર્યો.
ભારત પર્વના મુખ્ય આકર્ષણરૂપ 55 સ્વદેશી સ્ટોલ દેશની વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓની જીવંત ઝાંખી આપતા હતા. દરેક સ્ટોલ ભારતીય ગ્રામ્ય જીવન, કારીગરી અને લોકશૈલીના પ્રતિનિધિ સમાન હતો. અહીં પંજાબના ફુલકારી દુપટ્ટા, રાજસ્થાનની હસ્તનિર્મિત પોટરી, તામિલનાડુની કાંજીવરમ સાડી, નાગાલેન્ડના વાંસથી બનેલા પ્રોડક્ટ અને ગુજરાતના પટોળા–બાંધણીના રંગો જોવા મળ્યા.
સ્વદેશી સ્ટોલોમાં ખાસ કરીને ઓર્ગેનિક ખાદ્ય પદાર્થો, આયુર્વેદિક પ્રોડક્ટ્, હેન્ડલૂમ ફેબ્રિક્સ, રિસાયકલ મટિરિયલથી બનેલા ડેકોરેટિવ આર્ટ તથા કુદરતી રંગોથી બનેલા કપડાં પ્રવાસીઓમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા. પ્રવાસીઓએ અહીં માત્ર ખરીદી જ નહીં, પરંતુ દરેક સ્ટોલ પાછળની કથા, કારીગરની મહેનત અને પરંપરાગત જ્ઞાનનો અનુભવ કર્યો.
‘ભારત પર્વ’ માત્ર એક પ્રદર્શન નહીં, પરંતુ આત્મનિર્ભરતાની દિશામાં એક પ્રેરણાદાયક અભિયાન સાબિત થયું, જ્યાં ‘મેડ ઇન ઇન્ડિયા’નું ગૌરવ પ્રવાસીઓના હૃદય સુધી પહોંચ્યું હતું. લાઈવ મ્યુઝિક, લોકનૃત્ય, હસ્તકલા વર્કશોપ અને સ્વાદિષ્ટ પ્રદેશીય ભોજન સાથે આ ઉત્સવ એક જીવંત ભારતીય મેળો બની ગયો.


