ભચાઉ: હત્યાના પ્રયાસ કરવાના ગુનામાં નીતા ચૌધરીને મળેલા જામીન મંગળવારે સવારે સેશન્સ કોર્ટે રદ કરી તેને કસ્ટડીમાં લેવા પોલીસને હુકમ કર્યો હતો. જો કે, કોર્ટનો હુકમ આવ્યો ત્યારે નીતા ચૌધરી કોર્ટમાં હાજર નહોતી. તેની જગ્યાએ તેના વકીલ હાજર રહ્યા હતા. જેથી આદિપુરમાં આવેલી પોલીસ લાઈનમાં રહેતી નીતાના ઘેર ભચાઉ પોલીસ પહોંચી ત્યારે ત્યાં પણ તાળું જોવા મળ્યું હતું. આથી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે નીતા ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. પોલીસે તેના સાસરીમાં તપાસ કરી હતી, પરંતુ કોઇ માહિતી પ્રાપ્ત થઇ ન હતી. નીતાનો મોબાઈલ ફોન ગુના સંદર્ભે પોલીસના કબજામાં છે.પૂર્વ કચ્છના દારૂના સૌથી મોટા વોન્ટેડ બુટલેગર સાથે દારૂની ખેપ મારતી વખતે પોલીસે અટકાવતાં પોલીસ પર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં આરોપી પોલીસ કર્મચારી નીતા ચૌધરી સરેન્ડર થવાના બદલે ભૂગર્ભમાં ઉતરી જતાં પૂર્વ કચ્છ પોલીસમાં દોડધામ મચી ગઈ છે. નીતાને પકડવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની વિવિધ પોલીસ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. નીતાનું સંભવિત સંપર્કો અને સ્થળો પર પોલીસે સર્વેલન્સ ગોઠવી દીધું છે. પરંતુ પોલીસ ખાતાની પૂર્વ કર્મચારી અને અનુભવી નીતા પોલીસને થાપ આપી હાલ તો ભૂગર્ભમાં ઉતરી ગઈ છે.