દિવાળી વેકેશનના લેશનમાં બાળકો શીખશે ગીતાના પાઠ

સુરત: સનાતન સંસ્કૃતિનું રક્ષણ તેમજ બાળકોમાં નાનપણથી જ ભગવત ગીતાનું જ્ઞાન આવે એવા શુભ હેતુથી સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી નાલંદા વિદ્યાલય દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અનોખું દિવાળી હોમવર્ક આપવામાં આવ્યું છે. આ હોમવર્કમાં ભગવત ગીતાના શ્લોકોનું પઠન કરવા માટે જણાવવામાં આવ્યું છે.

નાલંદા શાળાના સંચાલક દિવ્યેશ ચાવડા ચિત્રલેખા.કોમને કહે છે, “વિદ્યાર્થીઓમાં વેકેશન દરમિયાન ધર્મ અને સંસ્કારોનું સિંચન થાય એવું ગૃહકાર્ય આપવા શાળા પરિવારે વિચાર્યું હતુ. જેના ભાગરૂપે દિવાળી કાર્ડમાં ભગવત ગીતાના શ્લોક છાપીને વિદ્યાર્થીઓને આ કાર્ડ આપવામાં આવ્યા છે. જેથી વિદ્યાર્થી પ્રતિદિન આ શ્લોક બોલીને ભગવત ગીતાના શ્લોકો કંઠસ્થ કરી શકે. શ્લોકો કંઠસ્થ થયા બાદ તેનો એક વિડીયો સ્કૂલના Whatsapp નંબર પર મોકલીને પોતાનું ગૃહ કાર્ય પૂર્ણ કરશે.”

એકતરફ સરકાર પાર્થમિક શાળામાં ગીતાને અભ્યાસક્રમ તરીકે લાવી રહી છે ત્યારે સુરતની આ શાળાનું પગલું સરકારના આ કદમ સાથે જાણે કદમ મેળવી રહ્યુ છે. શાળાનું આ હોમવર્ક સુરત શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય છે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)