નહેર વિવાદ પર હરિયાણા-પંજાબને કેન્દ્ર સહયોગ આપવા ‘સુપ્રીમ’ આદેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે પંજાબ અને હરિયાણા સરકારોને સુનાવણી દરમિયાન આદેશ આપ્યો કે તેઓ સતલજ-યમુના લિંક (એસવાયએલ) નહેર વિવાદના ઉકેલ માટે કેન્દ્ર સરકારને સહકાર આપે. ન્યાયમૂર્તિ બી. આર. ગવઈ અને ન્યાયમૂર્તિ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચને કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે તે પહેલાથી જ આ મુદ્દાને ઉકેલવા માટે અસરકારક પગલાં લઈ ચૂકી છે. તે પછી કોર્ટે કહ્યું હતું કે અમે બંને રાજ્યોને આદેશ આપીએ છીએ કે તેઓ ભારત સરકાર સાથે મળીને સહમતીથી ઉકેલ લાવવા માટે સહકાર આપે.

કેદ્ર સરકાર તરફથી એએસજી ઐશ્વર્ય ભાટીએ સુનાવણીમાં કોર્ટે જણાવ્યું હતું કે અમે મધ્યસ્થતાના પ્રયત્નો કર્યા છે, પરંતુ રાજ્યોએ પોતાની વાત પર અમલ કરવો પડશે. બીજી તરફ હરિયાણા સરકારના વકીલ શ્યામ દીવાને કહ્યું હતું કે વાતચીતથી કોઈ ઉકેલ ન નીકળી રહ્યો છએ. જ્યાં સુધી નહેરના નિર્માણની વાત છે, હરિયાણાએ પોતાના વિસ્તારમાં આખું કામ પૂરું કરી લીધું છે અને પાણી ન છોડવામાં આવવું એ વિશેષ મુદ્દો છે.

શું છે આખો વિવાદ?
હવે આખા વિવાદની વાત કરીએ તો એસવાયએલ નહેરની કલ્પના રાવી અને બિયાસ નદીઓમાંથી પાણીના અસરકારક વહેંચાણ માટે કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ કુલ 214 કિમી લંબાઈની નહેર બનાવવાની યોજના હતી, જેમાંથી 122 કિમી પંજાબમાં અને 92 કિમી હરિયાણામાં બનવાની હતી. હરિયાણાએ પોતાના વિસ્તારમાંનું કામ પૂરું કરી લીધું છે, પરંતુ પંજાબે 1982માં કામ શરૂ કર્યા બાદ તેને અટકાવી દીધું હતું. આ વિવાદ દાયકા જૂનો છે.

સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ
સુપ્રીમ કોર્ટે 15 જાન્યુઆરી 2002એ હરિયાણાએ 1996માં દાખલ કરેલા કેસમાં તેનો પક્ષ લીધો હતો અને પંજાબ સરકારને તેના હિસ્સાનું એસવાયએલ નહેરનું કામ પૂરું કરવા માટે આદેશ આપ્યો હતો. ત્યાર બાદ 2023માં સુપ્રીમ કોર્ટે ફરી એક વખત આ મામલામાં આકરું વલણ દાખવ્યું હતું. કોર્ટે જણાવ્યું હતું કે અમને કડક આદેશ આપવા મજબૂર ન કરો. આ ઉપરાંત કોર્ટે કહ્યું હતું કે અમે ખૂબ જ ચિંતિત છીએ કે બે દાયકાથી નહેરનું નિર્માણ ચાલુ ન થઈ શક્યું. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે અમને આ વાતની જાણ કરો કે અત્યાર સુધી કેટલું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. કેન્દ્ર સરકાર બંને રાજ્યો સાથે વાતચીત ચાલુ રાખે, એમ કોર્ટે કહ્યું હતું.