સુપ્રીમ કોર્ટમાં વક્ફ સુધારા કાયદા વિરુદ્ધની અરજીઓ પર આજે સુનાવણી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે બુધવારે નવા વકફ કાયદા વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી શરૂ કરાશે. કોર્ટમાં 73 અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાંથી 10 અરજીઓ આજે સુનાવણી માટે સૂચિબદ્ધ હોવાનું કહેવાય છે. તેની માન્યતાને કોર્ટમાં પડકારવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ સંજિવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમાર અને કે. વિશ્વનાથનની બેંચ દ્વારા એક સાથે 10 અરજીઓની સુનાવણી કરવામાં આવશે. જ્યારે બાદમાં થયેલી અરજીઓની સુનાવણીની તારીખ બાદમાં જાહેર કરવામાં આવી શકે છે. અરજીઓમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુધારેલા કાયદાથી વકફ મિલકતોનું અસામાન્ય સંચાલન થશે અને આ કાયદો મુસ્લિમોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની અરજીની સાથે આપના નેતા અમાનતુલ્લાહ ખાન, અસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ, અર્શદ મંદાની, સમસ્થ કેરળ જમિયતહુલ ઉલેમા, અંજૂમ કાદરી, તૈયબ ખાન સલમાની, મોહમ્મદ શાફી, મોહમ્મદ ફર્ઝલુરહીમ, આરજેડી નેતા મનોજ કુમાર ઝાની અરજીનો સમાવેશ કરીને સુનાવણી કરાશે. જો કે તાજેતરમાં દાખલ થયેલી વધુ નવી અરજીઓની સુનાવણીની તારીખ જાહેર કરવામાં નથી આવી જેમાં TMC સાંસદ મહુઆ મોઇત્રા, સમાજવાદી પાર્ટીના સંભાલના સાંસદ ઝીયા-ઉર-રેહમાન, આંધ્રના પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી, અભિનેતા અને રાજકારણી વિજયની અરજીની સુનાવણી બાદમાં કરવામાં આવશે.મોટાભાગની અરજીઓમાં દાવો કરવામાં આવ્યો છે કે વક્ફ કાયદામાં સુધારો કરીને સરકારે મુસ્લિમોના બંધારણીય અધિકારોનો ભંગ કર્યો છે. જ્યારે વકીલ હરી શંકર જૈન અને મણી મુંજાલ દ્વારા પણ અરજી કરવામાં આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલીક એવી જોગવાઇ છે આ કાયદામાં જેનાથી બિનમુસ્લિમોના અધિકારોનો પણ ભંગ થઇ રહ્યો છે. કેન્દ્ર સરકારે આ મામલે 8 એપ્રિલના રોજ કેવિએટ દાખલ કરી હતી અને કોઇ પણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા કે આદેશ આપતા પહેલા સરકારનો પક્ષ પણ સાંભળવામાં આવે તેવી માગ કરી હતી. દરમિયાન ઉત્તરાખંડ વક્ફ બોર્ડ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી કરાઇ છે જેમાં અગાઉની તમામ અરજીઓની વિપરિત વક્ફ કાયદામાં સુધારાનો બચાવ કરવામાં આવ્યો છે.

આ અરજીમાં માગ કરવામાં આવી છે કે ઓવેસીની અરજીમાં અમને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવે. જ્યારે બંગાળના મુર્શિદાબાદમાં હિંસા વચ્ચે સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ વિસ્તારમાં વક્ફ સુધારાના વિરોધમાં હિંસક દેખાવો થયા હતા. છેલ્લા એક સપ્તાહથી અહીંયા BSF, CRPF, રાજ્યની હથિયારી પોલીસ, RAFની ટુકડીઓ તૈનાત છે. બંગાળની આ હિંસાની સ્વતંત્ર તપાસ કરવામાં આવે તેવી માગણી કરતી બે અરજી સુપ્રીમ કોર્ટમાં થઇ છે. જેમાં કોર્ટની દેખરેખમાં SIT દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગ કરાઇ છે.