નસીમ શાહ ખભાની ઈજાને કારણે એશિયા કપની બહાર

કોલંબોઃ અહીં રમાતી એશિયા કપ-2023માં પાકિસ્તાનનો જમોડી ફાસ્ટ બોલર નસીમ શાહ ઈજા ખભામાં થયેલી ઈજાને કારણે વધુ રમી શકે એમ નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે નસીમની જગ્યાએ અન્ય ફાસ્ટ બોલર ઝમાન ખાનને ટીમમાં સામેલ કર્યો છે. નસીમને જમણા ખભાની ઈજા ભારત સામેની મેચમાં ફિલ્ડિંગ વખતે બાઉન્ડરી લાઈન પર બોલને અટકાવતી વખતે થઈ હતી. પાકિસ્તાનનો એક અન્ય જમોડી ફાસ્ટ બોલર હારિસ રઉફ પણ ઈજાગ્રસ્ત થયો છે. ભારત સામેની ગત મેચ દરમિયાન એણે શરીરના જમણા ભાગમાં અસ્વસ્થતા થતી હોવાની ફરિયાદ કરી હતી. તેથી એ વધારે બોલિંગ કરી શક્યો નહોતો. ઝમાન ખાન આજે સવારે કોલંબો પહોંચી ગયો હતો. પાકિસ્તાન બોર્ડે ઝમાન ઉપરાંત અન્ય ફાસ્ટ બોલર શાહનવાઝ દહાનીને પણ કોલંબોમાં બોલાવ્યો છે. એ ગુરુવારે સવારે કોલંબો પહોંચી જશે. નસીમ અને હારિસની ગેરહાજરીને કારણે ગુરુવારે શ્રીલંકા સામેની સુપર-4 રાઉન્ડ મેચમાં પાકિસ્તાનને મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ મેચ સેમી ફાઈનલ સમાન છે. જે જીતશે તે આવતા રવિવારે ભારત સામેની ફાઈનલમાં રમશે.

ઈન્જર્ડ નસીમ ખાનની જગ્યાએ ફાસ્ટ બોલર ઝમાન ખાનનો પાકિસ્તાન ટીમમાં સમાવેશ

પાકિસ્તાન ટીમના ડોક્ટર સોહેલ સલીમનું કહેવું છે, આ બંને ફાસ્ટ બોલર અમારા બળ સમાન છે. ટીમની મેડિકલ ટીમ આગામી વર્લ્ડ કપ પૂર્વે આ બંનેને શક્ય એટલી ઉત્તમ સારવાર પૂરી પાડશે.

આવતા મહિનાથી ભારતમાં આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ શરૂ થવાની છે તેથી પાકિસ્તાન બોર્ડ નસીમને એશિયા કપમાં વધારે રમાડવાનું જોખમ લેવા ઈચ્છતું નથી. એને બદલે એને આરામ આપીને ઈજામુક્ત કરવા ધારે છે. 22 વર્ષનો ઝમાન ખાન પાકિસ્તાન વતી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં રમી ચૂક્યો છે. એણે છ મેચમાં ચાર વિકેટ લીધી છે.