મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમનો લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલ ઈન્ટરનેટ પર, સોશિયલ મિડિયા મારફત રમૂજ ફેલાવવા માટે જાણીતો છે. એણે કોરોના વાઈરસના ફેલાવાના સંદર્ભમાં લોકોને ઘરમાં જ રહેવાની વિનંતી કરી છે અને કહ્યું છે કે લોકો ઘરમાં જેટલા વધારે રહેશે એટલું જલદી લોકડાઉનથી થતી તકલીફનો અંત આવશે.
ચહલે એક વિડિયો દ્વારા પોતાની અપીલને વ્યક્ત કરી છે. એણે આ વિડિયો કાલ્પનિક ‘ચહલ ટીવી’ માટે બનાવ્યો છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ આ વિડિયો પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.
વિડિયોમાં, ચહલ લોકડાઉન દરમિયાન એના રાબેતા મુજબના કામકાજ વિશે બોલ્યો છે અને લોકોને ઘરની બહાર ન જવાની વિનંતી કરી છે, નહીં તો એમને પોલીસ તરફથી ‘મફતમાં મસાજ’ મળશે, એવી મજાક પણ કરી છે.
ચહલે કહ્યું છે, ‘હેલ્લો મિત્રો, હું પાછો આવી ગયો છું, પણ અત્યારે મારા ઘરમાંથી ઓપરેટ કરું છું. તમને ચહલ ટીવીની કમી મહેસુસ થતી હશે અને હું પણ એને મિસ કરી રહ્યો છું. આ એપિસોડમાં, હું તમને જણાવીશ કે હું ઘરમાં રહીને શું કરું છું. હું સૂઉં છું, ખાઉં છું, મારા પરિવારજનો સાથે સમય વિતાવું છું અને મારા શ્વાન સાથે રમું છું.
ચહલે વધુમાં કહ્યું છે, ‘મહેરબાની કરીને લોકડાઉન દરમિયાન તમારા ઘરમાં જ રહેજો. બહાર નીકળશો નહીં, કારમ કે આ ખૂબ જ ગંભીર બાબત છે. જો તમે બહાર નીકળશો તો તમને મફતમાં મસાજ મળશે. રમૂજને બાજુ પર મૂકો, આ ખરેખર ગંભીર બાબત છે, મહેરબાની કરીને ઘરમાં જ રહો. તમે જેટલા વધારે ઘરમાં રહેશો, લોકડાઉનનો એટલો જલદી અંત આવશે.’
દેખીતી રીતે જ ચહલનો ઈશારો પોલીસ તરફનો છે જેઓ લોકડાઉનના નિયમોનો ભંગ કરીને કારણ વગર રસ્તાઓ પર ઘૂમતા લોકોને ડંડા મારે છે. એવા ઘણા વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા છે.
A special message from @yuzi_chahal in our latest Chahal TV – Home Edition episode ? #StayHomeStaySafe #TeamIndia pic.twitter.com/2wJY730XV8
— BCCI (@BCCI) April 7, 2020