ચંડીગઢઃ નિવૃત્ત થઈ ચૂકેલા ઓલરાઉન્ડર યુવરાજ સિંહને સ્થાનિક સ્પર્ધાઓમાં ફરીથી રમવું છે. પોતાને પુુનરાગમન કરવા દેવા માટે એણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને લેખિતમાં વિનંતી કરી છે, પણ હજી સુધી બોર્ડે કોઈ જવાબ આપ્યો નથી. યુવરાજ અને પંજાબ ક્રિકેટ એસોસિએશન, બંને તેની રાહ જોઈ રહ્યા છે.
યુવરાજ સિંહે 2019ની 10 જૂને ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. એ ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થયો હતો. એ છેલ્લે 2017માં ભારત વતી આંતરરાષ્ટ્રીય મેચમાં રમ્યો હતો.
ગયા મહિને પંજાબ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી પુનીત બાલી યુવરાજને મળ્યા હતા અને નિવૃત્તિ પાછી ખેંચી લેવા તથા વતન રાજ્ય પંજાબના યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપવાની વિનંતી કરી હતી. ડાબોડી ઓલરાઉન્ડર એ માટે તૈયાર થયો છે.
યુવરાજ સિંહ પંજાબ ટીમ વતી સ્થાનિક સ્પર્ધાઓ તેમજ T20 મેચોમાં રમવા માગે છે.
કોઈ પણ સ્થાનિક ક્રિકેટ મોસમ શરૂ થાય એ પહેલાં તમામ ખેલાડીઓએ એમના સંબંધિત રાજ્ય ક્રિકેટ એસોસિએશનોમાં એમનું નામ રજિસ્ટર કરાવવું પડે છે.
કમબેક કરવા માટે યુવરાજની વિનંતીનો પંજાબ ક્રિકેટ એસોસિએશને તો સ્વીકાર કરી લીધો છે, પણ હવે તે બીસીસીઆઈ તરફથી મંજૂરીની રાહ જુએ છે.
2011ની વર્લ્ડ કપ સ્પર્ધામાં યુવરાજ મેન ઓફ ધ ફાઈનલ અને મેન ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો. એને પંજાબ વતી T20 ફોર્મેટમાં ફરી રમવાની ઈચ્છા છે. એ છેલ્લા થોડાક સમયથી મોહાલીમાં પીસીએ સ્ટેડિયમ ખાતે પંજાબના યુવા ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે.
ઓફ્ફ-સીઝન પીસીએ ક્રિકેટ શિબિરમાં યુવરાજ અમુક પ્રેક્ટિસ મેચોમાં રમ્યો હતો અને એ જોઈને જ પીસીએના સેક્રેટરી બાલીએ એને નિવૃત્તિ પાછી ખેંચી લેવા અને યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપવાની વિનંતી કરી હતી.
યુવરાજ 2000 અને 2017 વચ્ચેના સમયગાળામાં તેની કારકિર્દીમાં 40 ટેસ્ટ મેચ, 304 વન-ડે ઈન્ટરનેશનલ મેચ અને 58 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો.