Vi બની ‘ડ્રીમ11 IPL 2020’ની સહ-સ્પોન્સર

મુંબઈઃ ટેલીકોમ ઓપરેટર વોડાફોન આઈડિયા, જેણે હવે Viનું નવું બ્રાન્ડનેમ ધારણ કર્યું છે, એ ‘ડ્રીમ11 આઈપીએલ 2020’ની સહ-સ્પોન્સર બની છે. આ સ્પર્ધા આવતી 19 સપ્ટેમ્બરથી યૂએઈમાં શરૂ થઈ રહી છે.

Vi કંપનીએ અબુધાબી, દુબઈ અને શારજાહમાં રમાનાર આઈપીએલ-13 અથવા આઈપીએલ-2020ના લાઈવ બ્રોડકાસ્ટના સહ-સ્પોન્સરશિપના હક પ્રાપ્ત કર્યા છે. મેચો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. એમ Vi લિમિટેડ દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.

આઈપીએલ-2020ની ટાઈટલ સ્પોન્સર ડ્રીમ11 છે. એણે રૂ. 222 કરોડની સૌથી ઊંચી બોલી લગાવીને આ અધિકાર પ્રાપ્ત કર્યા છે. ચાઈનીઝ મોબાઈલ હેન્ડસેટ ઉત્પાદક કંપની વિવો ભારત અને ચીન વચ્ચે હાલ ચાલી રહેલા સરહદી-વિવાદને કારણે સ્પર્ધાને સ્પોન્સર કરવામાંથી ખસી ગઈ છે.

આઈપીએલ-2020ને સહ-સ્પોન્સર કરવા માટે પોતે સ્ટાર સ્પોર્ટ્સ સાથે કરેલા સોદાની વિગતો Vi કંપનીએ બહાર પાડી નથી.