નવી દિલ્હીઃ અહીં ડો. કર્નેલસિંહ શૂટિંગ રેન્જીસ ખાતે રમાતી ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) વર્લ્ડ કપ શૂટિંગ સ્પર્ધામાં આજે ભારતના આશાસ્પદ રાઈફલ શૂટર ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમરે પુરુષોની 50-મીટર રાઈફલ 3-પોઝિશન હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીતીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. મધ્ય પ્રદેશના ભોપાલના રહેવાસી અને 20-વર્ષના ઐશ્વર્યએ 462.5 પોઈન્ટ્સ સ્કોર કર્યા હતા. હંગેરીના શૂટરે રજત અને ડેન્માર્કના શૂટરે કાંસ્ય જીત્યો હતો. મહિલોની 25-મીટરની સ્પોર્ટ્સ પિસ્તોલ હરીફાઈમાં ચિન્કી યાદવે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલાઓની આ હરીફાઈમાં તો ત્રણેય સ્થાન ભારતે જ મેળવ્યા હતા. રજત એશિયન ગેમ્સ ચેમ્પિયન રાહી સર્નોબતે જ્યારે હરિયાણાની મનુ ભાકરે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
આજે ભારતે બે સુવર્ણ, એક રજત અને એક કાંસ્ય ચંદ્રક જીતતાં ભારત કુલ 19 મેડલ્સ સાથે ચંદ્રકોની યાદીમાં પહેલા નંબરે છે. ભારતે અત્યાર સુધીમાં આ સ્પર્ધામાં 9 સુવર્ણ, પાંચ રજત અને પાંચ કાંસ્યચંદ્રક જીત્યા છે. અમેરિકા ત્રણ સુવર્ણ, બે રજત, એક કાંસ્ય સાથે બીજા નંબરે છે.