મહિલાઓનાં ક્રિકેટ ટીમ રેટિંગ્સમાં ભારત ચોથા ક્રમે યથાવત્

દુબઈ – પુરુષો અને મહિલાઓની ક્રિકેટ રમતનું વિશ્વસ્તરે સંચાલન કરતી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સંસ્થાએ મહિલાઓનાં નવા ક્રિકેટ ટીમ રેન્કિંગ્સ આજે જાહેર કર્યા છે.

એમાં ભારતીય ટીમે પોતાની ચોથી રેન્ક જાળવી રાખી છે. તેનાં ૧૧૬ પોઈન્ટ છે.

જ્યારે ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને હટાવીને પહેલી રેન્ક હાંસલ કરી છે.

હીધર નાઈટની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડ ટીમ અને ઓસ્ટ્રેલિયા, બંને ટીમના ૧૨૮ પોઈન્ટ છે, પણ ડેસિમલ પોઈન્ટ્સના આધારે ઈંગ્લેન્ડ પહેલા નંબરે છે.

ન્યુ ઝીલેન્ડ ટીમે ૧૧૮ પોઈન્ટ સાથે તેનું ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે.

ટીમ રેન્કિંગ્સ નક્કી કરતી વખતે ત્રણેય ફોર્મેટ – ટેસ્ટ, વન-ડે અને ટ્વેન્ટી-૨૦માં ટીમોના દેખાવને ગણતરીમાં લેવામાં આવે છે.

વેસ્ટ ઈન્ડિઝ (૧૦૧) પાંચમા અને દક્ષિણ આફ્રિકા (૯૩) છઠ્ઠા ક્રમે છે.

પાકિસ્તાન ૭૨ પોઈન્ટ સાથે સાતમા અને શ્રીલંકા ૬૭ સાથે આઠમા ક્રમે છે.

પોઈન્ટ્સ ટેબલમાં તળિયાની બે ટીમ છે – બાંગ્લાદેશ (૩૭) અને આયરલેન્ડ (૩૦).