લંડનમાં ધરપકડ બાદ તરત જ માલ્યાનો જામીન પર છુટકારો; ગયા એપ્રિલની ઘટનાનું પુનરાવર્તન

લંડન – લિકરના બિઝનેસના માંધાતા ગણાતા વિજય માલ્યાની આજે સવારે અહીં ધરપકડ કરવામાં આવી હતી, પણ તરત જ એને સ્થાનિક કોર્ટે જામીન પર છોડી મૂક્યો હતો.

૬૧ વર્ષીય વિજય માલ્યાને ભારત સરકારે ભાગેડૂ જાહેર કર્યો છે.

માલ્યા ભારતમાં ધરપકડથી બચવા લંડન ભાગી ગયો છે. ત્યાં એની આ બીજી વાર ધરપકડ કરવામાં આવી છે.

અગાઉ ગયા એપ્રિલમાં એને ભારત સરકારે બહાર પાડેલા પ્રત્યાર્પણ વોરંટના આધારે પકડવામાં આવ્યો હતો, પણ એને બાદમાં સ્થાનિક કોર્ટે સાડા છ લાખની કિંમતના બોન્ડ પર જામીન પર છોડ્યો હતો.

આ વખતે એને મની લોન્ડરિંગના કેસમાં પકડવામાં આવ્યો છે.

માલ્યા ભારતમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સહિત અનેક બેન્કો પાસેથી કરોડો રૂપિયાની લોન ચૂકવ્યા વગર લંડન ભાગી ગયો છે. ભારતમાંની બેન્કોએ માલ્યા પાસેથી ૯ હજાર કરોડની રકમ લેવાની નીકળે છે.