કરાચીઃ ભારતને રસ ન હોવા છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન રમીઝ રાજાએ કહ્યું છે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ની 19 માર્ચે દુબઈમાં મળનારી બેઠકમાં ચાર-દેશ વચ્ચે એક ODI ટુર્નામેન્ટ યોજવાનો વિચાર પોતે બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી સમક્ષ રજૂ કરશે.
રમીઝ રાજાએ પત્રકારોને કહ્યું કે, ‘મારા સૂચન મુજબની સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાન તથા ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ રમશે. હું દુબઈમાં મળનારી એસીસીની બેઠકમાં ગાંગુલી સાથે આ વિશે વાત કરીશ. અમે બેઉ ભૂતપૂર્વ કેપ્ટન અને ખેલાડી છીએ. અમારે મન ક્રિકેટ એટલે રાજકારણ નથી. ધારો કે ભારત મારા પ્રસ્તાવ સાથે સહમત નહીં થાય તો પણ અમે પાકિસ્તાનમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના સમાવેશ સાથે ત્રણ-દેશની વાર્ષિક ટુર્નામેન્ટ યોજવા વિચારીશું.’
રમીઝ રાજાએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતની ટીમ આવતા વર્ષે એશિયા કપ રમવા માટે પાકિસ્તાન આવશે. અને જો એ લોકો પાકિસ્તાનમાં આવવાનું પસંદ નહીં કરે તો અમે કોઈક બીજો રસ્તો કાઢીશું.
રમીઝ રાજાના પ્રસ્તાવને બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ નકારી ચૂક્યા છે.