નવી દિલ્હીઃ IPL 2024માં મહેન્દ્ર સિંહ સતત શાનદાર બેટિંગ કરી રહ્યો છે. ખાસ કરીને છેલ્લી ઓવરોમાં બોલરો માટે માહીને અટકાવવો મુશ્કેલ છે. અત્યાર સુધી આ સીઝનમાં ધોની આઠ મેચોમાંથી છ વાર બેટિંગ કરવા ઊતર્યો છે, પણ કોઈ બોલર તેને આઉટ નથી કરી શક્યો. કેપ્ટન કુલે 35 બોલમાં 91 રન બનાવ્યા છે. જેથી ક્રિકેટ ફેન્સ કહેવા લાગ્યા છે કે T20 વર્લ્ડ કપમાં માહીએ રમવું જોઈએ. એ સાથે અનેક ભૂતપૂર્વ ક્રિકેટરો પણ ઇચ્છે છે કે T20 વર્લ્ડ કપ 2024માં ધોની ટીમ ઇન્ડિયાની જર્સી પહેરીને મેદાનમાં દેખાય.
વીરેન્દ્ર સહેવાગ, ઇરફાન પઠાણ અને વરુણ એરોન સહિત કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરોનું માનવું છે કે T20 વર્લ્ડ કપમાં માહીની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થવી જોઈએ. ઇરફાને કહ્યું હતું કે જો મહેન્દ્ર સિંહ ધોની T20 વર્લ્ડ કપ રમવા ઇચ્છે તો કદાચ જ કોઈ એને ના પાડશે. સહેવાગે કહ્યું હતું કે આ સીઝનમાં માહીએ 250ની સ્ટ્રાઇક રેટથી વધુ રન બનાવી રહ્યો છે. તે અત્યાર સુધી આઉટ પણ નથી થયો. T20 વર્લ્ડ કપમાં માહીથી સારું વિકેટકીપિંગ કોણ કરી શકે છે? એવો સહેવાગે સવાલ કર્યો હતો.ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે T20 વર્લ્ડ કપ માટે કયા વિકેટકીપરને તક મળશે? એ સવાલના જવાબમાં શર્માએ કહ્યું હતું કે ધોનીને મનાવવો મુશ્કેલ હશે. તે અમેરિકા આવી રહ્યો છે, પરંતુ ક્રિકેટ નહીં, પણ ગોલ્ફ રમવા. ત્યાર બાદ સોશિયલ મિડિયા પર રોહિત શર્માનું નિવેદન ખૂબ વાઇરલ થયું હતું.
