બુમરાહ આજે ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયા સામેની ODIમાં કેમ નથી રમ્યો?

ઈન્દોરઃ અહીંના હોલકર સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાઈ રહી છે. ત્રણ મેચોની શ્રેણીની પહેલી મેચમાં ભારત પાંચ-વિકેટથી જીત્યું હતું. આજે બીજી મેચ માટે ટોસ ઉછાળાયો એની અમુક જ મિનિટો પહેલાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આજની મેચમાં રમી શકવાનો નથી.

ટ્વીટના માધ્યમથી ક્રિકેટ બોર્ડે જોકે સ્પષ્ટતા કરી હતી કે બુમરાહને તેના પરિવારજનોને મળવાનું જરૂરી હોવાથી તેને ઈન્દોરની મેચમાંથી એની બાકાતીને મંજૂર રાખવામાં આવી છે. એની જગ્યાએ ઈલેવનમાં પ્રસિદ્ધ કૃષ્ણાને સામેલ કરવામાં આવ્યો છે. બુમરાહ રાજકોટમાં 27 સપ્ટેમ્બરે રમાનાર શ્રેણીની ત્રીજી મેચ માટે ટીમ સાથે જોડાઈ જશે.

ઉલ્લેખનીય છે કે, બુમરાહ ઈજામાંથી સાજો થયા બાદ તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાના આયરલેન્ડ પ્રવાસની શ્રેણીમાં રમ્યો હતો. એના પરફોર્મન્સ પર પસંદગીકારોની વિશેષ નજર છે, કારણ કે આગામી ODI વર્લ્ડ કપ માટે બુમરાહ તેની પૂરી રીધમમાં રહે તે ભારતીય ટીમની યોજનાઓ માટે બહુ આવશ્યક છે. એ પણ ઉલ્લેખનીય છે કે, બુમરાહ હાલમાં જ પિતા બન્યો છે. એની પત્ની સંજનાએ એમનાં પ્રથમ સંતાન રૂપે પુત્રને જન્મ આપ્યો છે, જેનું નામ તેમણે અંગદ રાખ્યું છે.