સારો દેખાવ છતાં સેમસનને એશિયા કપ ટીમમાં સ્થાન કેમ નહીં?

મુંબઈઃ આગામી એશિયા કપ સ્પર્ધા માટે ભારતે 17-સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. હવે આ જ ટીમ ODI વર્લ્ડ કપમાં પણ રમતી જોવા મળશે. ટીમની જાહેરાત બાદ અમુક ખેલાડીઓનું વર્લ્ડ કપમાં રમવાનું સપનું ભાંગી ગયું છે. એમાંનો એક છે, 28 વર્ષીય વિકેટકીપર અને બેટર સંજૂ સેમસન. એશિયા કપ ટીમમાં બેક-અપ ખેલાડી તરીકે સંજૂનો સમાવેશ કરવામાં આવ્યો છે. એશિયા કપ ટીમમાં સૂર્યકુમાર યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. યાદવ છેલ્લા કેટલાક વખતમાં વન-ડે મેચોમાં નિષ્ફળ ગયો છે. જ્યારે સંજૂ સેમસનનો વન-ડે રેકોર્ડ ઉત્તમ છે.

ટીમમાં સૂર્યા ઉપરાંત નવોદિત બેટર તિલક વર્માની પણ પસંદગી કરવામાં આવી છે. એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થવાની છે. ભારતની પહેલી મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમાશે. તાજેતરમાં, વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે સીરિઝમાં સંજૂએ બે મેચમાં અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ ટ્વેન્ટી-20 શ્રેણીમાં એ સારું રમી શક્યો નહોતો. એશિયા કપ ટીમમાં ઈશાન કિશન અને કે.એલ. રાહુલ, એમ બે વિકેટકીપર છે. રાહુલ ઈજામાંથી સાજો થઈ જતાં એનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાથી સંજૂને સ્થાન મળ્યું નથી.

વન-ડે ક્રિકેટમાં સંજૂનો દેખાવ બહુ જ સરસ રહ્યો છે. એ માત્ર 13 મેચ જ રમ્યો છે, પણ એમાં તેણે 55.71ની સરેરાશ સાથે 390 રન કર્યા છે. 2023માં તો એને માત્ર બે જ વન-ડે રમવા મળી છે. જેમાં તેણે 30ની સરેરાશ સાથે 60 રન કર્યા છે. એની સરખામણીમાં, સૂર્યકુમાર યાદવને 10 મેચ રમવા મળી છે, પણ એ માત્ર 14.11ની સરેરાશ સાથે 127 રન જ કરી શક્યો છે.