CM યોગીના આશીર્વાદ લેવા બાબતે રજનીકાંતની સ્પષ્ટતા

ચેન્નઈઃ હાલમાં સુપરસ્ટાર રજનીકાંતે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ સાથે લખનઉ સ્થિત તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. રજનીકાંતે એ દરમ્યાન મુખ્ય મંત્રીના પગે પડીને આશીર્વાદ મેળવ્યા હતા. જોકે યોગી આદિત્યનાથના પગે પડીને આશીર્વાદ લેવા પર વિવાદ થયો હતો. રજનીકાંતે કહ્યું હતું કે કોઈ પણ સંન્યાસી અથવા યોગીનાં ચરણોમાં ઝૂકવાની તેમની આદત છે. પછી ભલે એ વ્યક્તિ કોઈ પણ વયની હોય. એટલા માટે તેમણે આવું કર્યું હતું, એમ તેમણે કહ્યું હતું.

રજનીકાંત દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના પગે પડીને આશીર્વાદ લેવા પર સોશિયલ મિડિયા અને ખાસ કરીને તામિલનાડુમાં ઘણો વિવાદ થઈ રહ્યો છે. કેટલાય લોકો 72 વર્ષીય રજનીકાંતને તેમનાથી વયમાં નાના UPના CMના પગે પડવા પર સવાલો કરી રહ્યા છે. જોકે સુપરસ્ટારે પોતાના અંદાજમાં જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યું હતું કે તે પોતાની ફિલ્મ ‘જેલર’ની સ્ક્રીનિંગ માટે તેઓ લખનઉ પહોંચ્યા હતા. એ સમયે તેમણે UPના મુખ્ય પ્રધાન, યોગી આદિત્યનાથ, ઉપ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય અને સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. UPના ઉપ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ રજનીકાંતની એક્ટિંગની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે મને પણ ‘જેલર’ ફિલ્મ જોવાની તક મળી. મેં રજનીકાંતની અનેક ફિલ્મો જોઈ છે અને તેઓ પ્રતિભાશાળી એક્ટર છે.

બીજી બાજુ, રજનીકાંતે તેમની ફિલ્મ ‘જેલર’ની શાનદાર સફળતા માટે ઓડિયન્સનો આભાર માન્યો હતો. તેમની ફિલ્મ રૂ. 200 કરોડના બજેટમાં બની છે, જ્યારે આ ફિલ્મે રૂ. 280 કરોડની કમાણી કરી ચૂકી છે.