શું બાલાકોટમાં સેનાએ ફરી સર્જિકલ સ્ટ્રાઇક કરી?

નવી દિલ્હીઃ મંગળવારે સવારે સમાચાર હતા કે બાલાકોટ સેક્ટરમાં ભારતીય સેનાએ ફરી એક વાર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. જોકે સંરક્ષણ મંત્રાલય તરફથી સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં મંત્રાલયે કહ્યું હતું કે પાકિસ્તાન સરહદમાં ઘૂસીને કોઈ સ્ટ્રાઇક નથી કરવામાં આવી.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે બાલાકોટ ક્ષેત્રમાં LOC પર બે આતંકવાદી ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાના પ્રયાસ કરી રહ્યા હતા. તેમને તેમના મિશનમાં નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે બે આતંકવાદી LOC પર ખરાબ મોસમ, ધુમ્મસ અને તૂટેલા રસ્તાનો લાભ ઉઠાવીને ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. સેનાને જ્યારે આ વાતની માલૂમ પડી, ત્યારે તેમણે હમીરપુર ક્ષેત્રમાં બંને આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

સેનાએ આ ઓપરેશન વિશે માહિતી આપતાં કહ્યું હતું કે જમ્મુમાં તહેનાત ડિફેન્સ પ્રવક્તા લેફ્ટેનન્ટ કર્નલ સુનીલ બર્તવાલે જણાવ્યું હતું કે પોલીસ અને એજન્સીઓની જાસૂસી સૂચનાથી માલૂમ પડ્યું હતું કે LOCની પેલી બાજુ આતંકવાદી હાજર છે, જે પછી નિગરાની વધારવામાં આવી હતી. જ્યારે બે આતંકવાદીઓએ ભારતીય સરહદમાં ઘૂસણખોરીના પ્રયાસ કર્યા, ત્યારે સેનાએ તેમની સાથે અથડામણ શરૂ કરી હતી અને બંને જણને ઠાર કર્યા હતા.

સેનાએ જણાવ્યું હતું કે બંને આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, પણ તેમના મૃતદેહો મેળવી નથી શકાયા, કેમ કે સેનાની સાથેની અથડામણમાં ઘાયલ થયા પછી બંને આતંકવાદી નિયંત્રણ રેખાને પાર કરીને પાકિસ્તાનની સરહદે ચાલ્યા ગયા હતા. આ સિવાય અથડામણ સ્થળેથી એક AK-47 રાઇફલ, બે મેગઝિન, 30 કારતૂસ અને પાકિસ્તાનમાં બનેલી કેટલીક દવાઓ પણ જપ્ત કરવામાં આવી છે.