નવી દિલ્હીઃ ક્રિકેટ જગતમાં ક્રિકેટર કોઈ પણ રેકોર્ડ બનાવે છે તો કોઈ રેકોર્ડ તોડે પણ છે, પણ ક્યારેક અણગમતા રેકોર્ડ પણ બની જાય, જેને કોઈ પણ ક્રિકેટર પોતાને નામે નહીં કરવા ઇચ્છે. બંગલાદેશના ક્રિકેટર સાથે કંઈ એવું થયું, જે પહેલાં ક્યારેય નથી થયું. બંગલાદેશનો મહમુદુલ્લા વિશ્વનો સૌથી અનલકી ક્રિકેટર બન્યો છે, કેમ કે તેને નામે શરમજનક રેકોર્ડ નોંધાયો છે, જે જાણીને તમને આશ્ચર્ય થશે…
T20 વર્લ્ડ કપની સુપર આઠમાં બંગલાદેશને ઓસ્ટ્રેલિયે વરસાદના વિઘ્નવાળી મેચમાં 28 રને હરાવી દીધો છે. આ મેચમાં બંગલાદેશની ઇનિંગ્સ દરમ્યાન મહમુદુલ્લા ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સનો શિકાર થયો હતો. પેટ કમિન્સે હેટ્રિક વિકેટ લેવામાં સફળતા મેળવી હતી. આ હેટ્રિક વિકેટમાં મહમુદુલ્લાની વિકેટ પણ સામેલ છે.
મહમુદુલ્લા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં છઠ્ઠી વાર હેટ્રિક વિકેટ દરમ્યાન આઉટ થયો હતો. આવો અણગમતો રેકોર્ડ સૌપ્રથમ વાર કોઈ ક્રિકેટરને નામે ક્રિકેટ વિશ્વમાં જોડાયો છે. બીજી બાજુ T20Iમાં એ બંગલાદેશની વિરુદ્ધ સાતમી હેટ્રિક હતી, જે કોઈ પણ ટીમની વિરુદ્ધ સૌથી વધુ અધિક છે. સાત હેટ્રિકમાંથી બંગલાદેશી બેટ્સમેન મહમુદુલ્લા ત્રણ વાર હેટ્રિક દરમ્યાન આઉટ થયો હતો. મહમુદુલ્લા હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં છ હેટ્રિકમાં સામેલ થઈ ચૂક્યો છે. –ત્રણ વાર T20Iમાં, બે વાર વનડેમાં અને એક વાર ટેસ્ટમાં.
ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ મેચમાં મહમુદુલ્લા માત્ર બે રન બનાવીને પેટ કમિન્સના બોલમાં બોલ્ડ થયો હતો. આ મેચમાં કમિન્સે ચાર ઓવરમાં 29 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. સુપર આઠમાં ઓસ્ટ્રેલિયાની આ પહેલી મેચ હતી.