ઈંગ્લેન્ડના રૂટના ઓલરાઉન્ડ દેખાવ સામે વેસ્ટ ઈન્ડિઝ 8-વિકેટથી ધ્વસ્ત

સાઉધમ્પ્ટન – અહીંના રોઝ બોલ મેદાન પર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019ની શુક્રવારે રમાઈ ગયેલી મેચમાં ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 8-વિકેટથી આસાન રીતે પરાજય આપ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ ટીમ 44.4 ઓવરમાં 212 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એના જવાબમાં, ઈંગ્લેન્ડે 33.1 ઓવરમાં 2 વિકેટના ભોગે 213 રન કરીને મેચ જીતી લીધી હતી. આ સાથે, પોઈન્ટ્સ ટેબલમાં, ઈંગ્લેન્ડની ટીમ બીજા નંબર પર પહોંચી ગઈ છે. શુક્રવારની મેચ પૂર્વે એ ચોથા ક્રમે હતી. 4 મેચોમાં ઈંગ્લેન્ડનો આ ત્રીજો વિજય છે. બીજી બાજુ, વેસ્ટ ઈન્ડિઝ 4 મેચોમાંથી બેમાં હારી ગયું છે અને ટેબલમાં છઠ્ઠા ક્રમે જ છે.

જો રૂટ – પ્લેયર ઓફ ધ મેચ

શુક્રવારની મેચમાં, જો રૂટ 100 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. કારકિર્દીમાં આ તેની 16મી સદી છે. એણે તેના 100 રન 94 બોલમાં કર્યા હતા જેમાં 11 ચોગ્ગાનો સમાવેશ થાય છે. જોની બેરસ્ટો (45) સાથે રૂટે પહેલી વિકેટ માટે 95 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ ક્રિસ વોક્સ (40) સાથે મળીને એણે સ્કોરને 199 પર પહોંચાડ્યો હતો. બેન સ્ટોક્સ 10 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

રૂટે બોલિંગમાં, બે વિકેટ લીધી હતી અને એને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો.

તે પહેલાં, ઈંગ્લેન્ડના કેપ્ટન ઓઈન મોર્ગને ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ઈંગ્લેન્ડના ચાર ફાસ્ટ બોલર – જોફ્રા આર્ચર, માર્ક વૂડ, ક્રિસ વોક્સ અને લિયામ પ્લન્કીટ તેમજ કામચલાઉ ઓફ્ફ સ્પિનર જો રૂટની બોલિંગ સામે કેરેબિનય બેટ્સમેનો ખાસ છૂટ લઈ શક્યા નહોતા. એકમાત્ર નિકોલસ પૂરન લડત આપી શક્યો હતો અને 78 બોલમાં 63 રન કરવામાં સફળ થયો હતો. એણે 1 છગ્ગો અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. વન-ડે ઈન્ટરનેશનલ કારકિર્દીમાં ડાબોડી બેટ્સમેન પૂરનની આ પહેલી જ હાફ-સેન્ચુરી છે.

ડબલ ફિગરમાં પહોંચી શકનાર અન્ય બેટ્સમેનો આ હતાઃ ઓપનર અને વાઈસ-કેપ્ટન ક્રિસ ગેલ 36, શિમરોન હેટમેયર 39, આન્દ્રે રસેલ 21, કાર્લોસ બ્રેથવેટ 14 અને વિકેટકીપર શાઈ હોપ 11.

ઈંગ્લેન્ડના બે ફાસ્ટ બોલરે 3-3 વિકેટ લીધી. જોફ્રા આર્ચરે 9 ઓવરમાં 30 રનમાં 3 અને માર્ક વૂડે 6.4 ઓવરમાં 18 રનમાં 3. અન્ય બે ફાસ્ટ બોલર – વોક્સ અને પ્લન્કીટને ફાળે એક-એક વિકેટ આવી. જો રૂટે પાંચ ઓવરમાં 27 રનમાં 2 વિકેટ લીધી હતી. એના બંને શિકાર હતા હેટમેયર અને કેપ્ટન જેસન હોલ્ડર (9). બંનેને તેણે પોતાની જ બોલિંગમાં કેચઆઉટ કર્યા હતા.