અમને હજી સંતોષકારક જવાબ નથી મળ્યોઃ વિનેશ ફોગાટ

નવી દિલ્હીઃ શહેરમાં જંતરમંતર પર સતત બીજા દિવસે પણ પહેલવાનોનું વિરોધ પ્રદર્શન જારી છે. પહેલવાનોના મુદ્દા પર બપોરે સ્પોર્ટ્સ મંત્રાલય અને રેસલરોના પ્રતિનિધિ મંડળમાં વાતચીત થઈ હતી. આ વાતચીત પછી પણ બંને પક્ષો વચ્ચે સમાધાન નથી નીકળ્યું. પ્રતિનિધિ મંડળ સાથે બેઠકમાં માત્ર ઠાલાં આશ્વાસન મળવાથી પહેલવાનો નાખુશ છે અને તેઓ આ વિરોધી દેખાવો ચાલુ રાખશે. રેસલર ફોગાટે કહ્યું હતું કે અમારી લડાઈ સરકાર સામે નથી ફેડરેશન સામે છે. અમે અધ્યક્ષનું રાજીનામું લઈને જ રહીશું. અમને ન્યાય નહીં મળે તો અમે પોલીસ પાસે જઈશું, એમ વિનેશ ફોગાટે કહ્યું હતું.

તેણે કહ્યું હતું કે જ્યાં સુધી કુશ્તી ફેડરેશનના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહને અધ્યક્ષપદેથી દૂર કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ ધરણાં સ્થળેથી દૂર નહીં જાય. ફોગાટે કહ્યું હતું કે અધ્યક્ષમાં હિંમત હોય તો અમારી સામે આવે અને બે મિનિટ બેસીને વાત કરે. તેઓ સામે બેસી નહીં શકે. હજી કોઈ કાર્યવાહી થઈ નથી. અમારી માગ પૂરી નહીં થાય, ત્યાં સુધી અમે ધરણાં સ્થળથી દૂર નહીં હટીએ. બજરંગ પૂનિયાએ પણ કહ્યું હતું કે દરેક સભ્ય અહીં ધરણાં કરવા બેઠા છે.

બીજી બાજુ બૃજભૂષણે કહ્યું હતું કે આરોપ સાચા પુરવાર થશે તો ફાંસીએ લટકી જઈશ. સામે પક્ષે પહેલવાનોએ કહ્યું હતું કે અમારી પાસે ચ યુવતીઓ છે, જેમનું યૌન શૌષણ કરવામાં આવ્યું હતું. તેઓ પુરાવા સાથે અહીં બેઠી છે.