ઓસ્ટ્રેલિયન ઓપનઃ સાનિયા મહિલા ડબલ્સનો પહેલો રાઉન્ડ જીતી

મેલબોર્નઃ પોતાની કારકિર્દીની આખરી ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટમાં રમતી ભારતની 36 વર્ષીય ચેમ્પિયન ખેલાડી સાનિયા મિર્ઝા અહીં રમાતી ઓસ્ટ્રેલિયન ઓપન સ્પર્ધામાં મહિલા ડબલ્સ વર્ગમાં પહેલા રાઉન્ડની મેચ જીતી છે. એણે કઝાખસ્તાનની આન્ના ડાનીલીના સાથે જોડી બનાવી છે. બંનેએ હંગેરીની ડેલ્મા ગેલ્ફી અને અમેરિકાની બર્નાર્ડા પેરાની જોડી પર 6-2, 7-5 સ્કોરથી વિજય હાંસલ કર્યો હતો.

છ વખત ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર (ત્રણ મહિલા ડબલ્સ અને 3 મિક્સ્ડ ડબલ્સ) તેમજ મહિલા ડબલ્સની ભૂતપૂર્વ નંબર-1 ખેલાડી સાનિયા અને આન્ના હવે આવતીકાલે બીજા રાઉન્ડમાં યૂક્રેનની એન્હેલીના કેલીનીના અને બેલ્જિયમની એલિસન વેન યૂત્વેન્કની જોડી સામે રમશે. સાનિયાએ ગયા વર્ષે જ જાહેરાત કરી હતી કે ઓસ્ટ્રેલિયન ઓપન-2023 તેની આખરી ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધા હશે અને પોતે 19 ફેબ્રુઆરીએ પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્ત થશે.