એર ઇન્ડિયાએ આરોપી શંકર મિશ્રા પર 4 મહિના માટે પ્રતિબંધ મૂક્યો

એર ઈન્ડિયાએ વૃદ્ધ મહિલા સહ-યાત્રી પર પેશાબ કરવા બદલ શંકર મિશ્રા પર ચાર મહિના માટે પ્રતિબંધ મૂક્યો છે. સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે એરલાઈને આ મામલે આંતરિક રિપોર્ટ પણ દાખલ કર્યો છે. મિશ્રા પર ગયા વર્ષે 26 નવેમ્બરે એર ઈન્ડિયાની ન્યૂયોર્ક-નવી દિલ્હી ફ્લાઈટમાં એક મહિલા સહ-યાત્રી પર નશાની હાલતમાં પેશાબ કરવાનો આરોપ છે. એર ઈન્ડિયાએ શરૂઆતમાં આરોપી પેસેન્જરને 30 દિવસ માટે ઉડાન પર પ્રતિબંધ મૂક્યો હતો અને પરિસ્થિતિને સંભાળવામાં ક્રૂની ભૂલોની તપાસ કરવા માટે આંતરિક સમિતિની રચના કરી હતી, જેનો રિપોર્ટ હવે આવી ગયો છે.

7 જાન્યુઆરીએ આરોપી શંકર મિશ્રાને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. પીડિત મહિલાની ફરિયાદ પર 4 જાન્યુઆરીએ દિલ્હી પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 294, 354, 509, 510 અને એરક્રાફ્ટ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. 7 જાન્યુઆરીએ દિલ્હી પોલીસે શંકર મિશ્રાની બેંગલુરુ શહેરના સંજય નગર વિસ્તારમાંથી ધરપકડ કરી હતી, જ્યાં સ્થાનિક પોલીસે દિલ્હી પોલીસને મદદ કરી હતી.

ગયા અઠવાડિયે 13 જાન્યુઆરીના રોજ આરોપી શંકર મિશ્રાએ દિલ્હીની કોર્ટમાં કહ્યું હતું કે તેણે વાંધાજનક કૃત્ય કર્યું નથી. આ સાથે તેણે આરોપ લગાવ્યો કે એવું લાગે છે કે મહિલાએ પોતે જ પેશાબ કર્યો હતો. કથિત ઘટનાને લઈને કેટલાક સહ-યાત્રીઓ દ્વારા આરોપીની નિંદા અને પીડિત મહિલા સાથેના આરોપીના વોટ્સએપ મેસેજીસ હોવા છતાં, પ્રથમ વખત તેના વકીલે દાવો કર્યો કે આ ઘટના બની નથી.

પીડિતાએ FIRમાં શું કહ્યું?

4 જાન્યુઆરીએ નોંધાયેલી એફઆઈઆર મુજબ, મહિલા સહ-પ્રવાસી પર કથિત રૂપે પેશાબ કરનાર શંકર મિશ્રાએ પીડિતાની માફી માંગી હતી અને તેણીને ફરિયાદ ન કરવા વિનંતી કરી હતી, અને કહ્યું હતું કે તે નથી ઈચ્છતો કે તેના કૃત્યથી તેની પત્ની અને બાળકો પરેશાન થાય. હોઈ એફઆઈઆર અનુસાર, પીડિતાએ કહ્યું કે તેણીની ઇચ્છા ન હોવા છતાં, તેણીને આરોપી સાથે વાત કરવા અને મામલો પતાવવા માટે કહેવામાં આવ્યું હતું. એફઆઈઆર મુજબ, ‘બિઝનેસ ક્લાસ’ની સીટ 8A પર બેઠેલા એક નશામાં પુરુષ પેસેન્જર વૃદ્ધ મહિલાની સીટની નજીક ગયો અને 26 નવેમ્બરે AI-102 ફ્લાઈટમાં ભોજન પીરસાયા બાદ તેના પર પેશાબ કર્યો.