બેંગલુરુઃ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ આ સીઝનમાં સારો દેખાવ કરી રહી છે. વિરાટ કોહલીએ છેલ્લી બે મેચમાં RCBની કેપ્ટનશિપ પણ કરી હતી, કોહલી અને તેની ટીમ સામે વિરાટ મુશ્કેલી ઊભી થઈ છે, જેના પર કોહલી પર પ્રતિબંધનું જોખમ ઝળૂંબી રહ્યું છે. IPLમાં રમાયેલી 27મી અને 32મી મેચમાં વિરાટ કોહલી કેપ્ટન તરીકે RCB માટે રમી રહ્યો હતો. RCBએ પંજાબ કિંગ્સને અને રાજસ્થાન રોયલ્સને હરાવી હતી, પણ રાજસ્થાન સામે RCBની ટીમે ધીમી ઓવરના નિયમોનો ભંગ કર્યો હતો. વિરાટની કેપ્ટનશિપમાં આ નિયમ તોડ્યો હતો.
આ પહેલાં ફાફ ડુ પ્લેસિસની કેપ્ટનશિપમાં RCB આ ભૂલ કરી ચૂકી છે. પહેલી મેચમાં ફાફ પાસેથી રૂ. 12 લાખ અને બીજી મેચમાં વિરાટ પાસેથી રૂ. 24 લાખ દંડ તરીકે વસૂલવામાં આવ્યો છે. હવે જો આગામી મેચમાં RCBની ટીમ આ નિયમો તોડશે તો તેની કેપ્ટનશિપ પર રૂ. 30 લાખનો દંડ અને એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવશે. પછી ભલે કેપ્ટન વિરાટ હોય કે ફાફ ડુ પ્લેસિસ હોય. સ્લો ઓવર રેટના નિયમની વાત કરીએ તો કોઈ બોલિંગ કરતી ટીમ નિર્ધારિત સમયની અંદર 20 ઓવર નથી કરી શકતી તો આ નિયમનો તેણે ભંગ કર્યો છે. IPLમાં ટીમોને 20 ઓવર ફેંકવા માટે 90 મિનિટનો સમય હોય છે. એમાં 85 મિનિટનો સમય રમત માટે અને પ્રત્યેક 150 સેકન્ડ બે સ્ટ્રેટેજિક ટાઇમ આઉટ માટે પાંચ મિનિટનો સ્લોટ હોય છે.
આ દરમ્યાન DRS, ઈજા કે આઉટ થવાનો સમય સામેલ નથી થતો. જોકોઈ ટીમ 20 ઓવરની બોલિંગ કરવા માટે 90 મિનિટથી વધુનો સમય લે તો તેના કેપ્ટન પર રૂ. 12 લાખનો દંડ, બીજી વાર આ નિયમના તોડવા પર કેપ્ટનને રૂ. 24 લાખ અને ટીમના બાકીના ક્રિકેટરો પર પણ દંડ લગાવવામાં આવે છે. તેમના પર રૂ. 6 લાખ કે મેચની ફીસના 25 ટકા દંડ આપવો પડે છે. જો ત્રીજી વાર ભૂલ થાય તો એક મેચ માટે પ્રતિબંધ અને રૂ. 30 લાખનો દંડ ફટકારવામાં આવે છે.