સુપ્રીમે મહિલા પહેલવાનોની અરજી પર દિલ્હી પોલીસને નોટિસ જારી કરી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ભાજપના સાંસદ અને WFIના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહની સામે યૌન ઉત્પીડનના આરોપી પર FIR નહીં નોંધવાના આરોપવાળી સાત મહિલા પહેલવાનોની અરજી પર મંગળવારે દિલ્હી સરકાર અને અન્યને નોટિસ જારી કરી છે.

CJI ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાવાળા પહેલવાનોની અરજીમાં યૌન ઉત્પીડનના ગંભીર આરોપ લગાવ્યા છે. આ મામલે કોર્ટ દ્વારા વિચાર કરવાની જરૂર છે. કપિલ સિબ્બલે કોર્ટમાં આ મામલે જલદી સુનાવણીની માગ કરી છે. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે સાત મહિલા પહેલવાનોએ અરજી આપી છે. કોર્ટે કહ્યું હતું કે આ અરજી પર કોર્ટ 28 એપ્રિલે સુનાવણી કરશે.

સોમવારે દેખાવકાર પહેલવાનોએ ધમકી આપી હતી કે જો ભારતીય કુશ્તી મહાસંઘ (WFI)ના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહની સામે FIR નહીં નોંધવામાં આવે તો તેઓ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવશે. જ્યારે સ્પોર્ટ્સ મંત્રાલયે મહાસંઘની સાત મેએ થનારી ચૂંટણી પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ને ચૂંટણી કરાવવા માટે સમિતિની રચના કરવા માટે કહ્યું હતું.

સરકારે WFI અધ્યક્ષની વિરુદ્ધ યૌન ઉત્પીડન અને ડરાવવા-ધમકાવવાને મામલે તપાસ માટે 23 જાન્યુઆરીએ છ સભ્યોની સમિતિ રચના કરી હતી. સમિતિએ પાંચ એપ્રિલે એનો તપાસ રિપોર્ટ સોંપ્યો હતો, પણ સરકારે અત્યાર સુધી એને જાહેર નથી કર્યો.