… જ્યારે વિરાટ કોહલી એક પત્રકાર પર ભડકી ગયો

ક્રાઈસ્ટચર્ચઃ અહીં હેગ્લે ઓવલ મેદાન પરની બીજી અને શ્રેણીની આખરી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતને 7-વિકેટથી હરાવીને ન્યૂઝીલેન્ડે ભારતનો 2-0થી વ્હાઈટવોશ કરી નાખ્યો.

આજે મેચના ત્રીજા દિવસે સવારના સત્રમાં ભારતને તેના બીજા દાવમાં 124 રનના મામુલી સ્કોર પર આઉટ કર્યા બાદ ન્યૂઝીલેન્ડે જીત માટે 132 રનનો ટાર્ગેટ 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લઈને બીજી ટેસ્ટ પણ જીતી લીધી હતી. બંને ઓપનર – ટોમ લેથમ (52) અને ટોમ બ્લન્ડેલ (55)ની હાફ-સેન્ચૂરીઓ અને બંને વચ્ચે પહેલી વિકેટ માટે થયેલી 103 રનની ભાગીદારી કારણે ગૃહ ટીમનો વિજય આસાન બન્યો હતો. કેન વિલિયમ્સન પાંચ રન કરીને આઉટ થયો હતો. આ 3 વિકેટમાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે 2 અને અન્ય ફાસ્ટ બોલર ઉમેશ યાદવે 1 વિકેટ લીધી હતી. રોસ ટેલર અને હેન્રી નિકોલ્સ નોટઆઉટ રહ્યા હતા.

અગાઉ, ભારતે 6 વિકેટે 90 રનનો તેનો અધૂરો દાવ આજે આગળ વધાર્યો હતો, પણ એના બેટ્સમેનો કિવી બોલરોનો લાંબો સમય સુધી સામનો કરી શક્યા નહોતા. તેઓ વધુ માત્ર 34 રન જ કરી શક્યા હતા.

ભારતે પહેલા દાવમાં 242 રન કર્યા હતા અને એના જવાબમાં ન્યૂઝીલેન્ડે તેના પહેલા દાવમાં 235 રન કર્યા હતા.

ન્યૂઝીલેન્ડના કાઈલ જેમીસનને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને ટીમ સાઉથીને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ ઘોષિત કરવામાં આવ્યો હતો. જેમીસને પહેલા દાવમાં પાંચ વિકેટ લીધી હતી. બેટિંગમાં, એણે પહેલા દાવમાં 9મા ક્રમે આવીને 49 રન કર્યા હતા. બીજા દાવમાં એની બેટિંગ આવી નહોતી. ફાસ્ટ બોલર ટીમ સાઉથીએ બે ટેસ્ટ મેચમાં કુલ 14 વિકેટ લીધી હતી.

પાંચ મેચોની ટ્વેન્ટી-20 સિરીઝમાં ભારતે ન્યૂઝીલેન્ડનો 5-0થી વ્હાઈટવોશ કર્યો હતો, પણ ત્યારબાદ પ્રવાસની બાકીની પાંચેય મેચમાં ભારતનો પરાજય થયો. એમાં વન-ડે શ્રેણીની 3 મેચ અને ટેસ્ટ શ્રેણીની બે મેચનો સમાવેશ થાય છે.

વ્હાઈટવોશ થયો તે છતાં વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ટીમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 360 પોઈન્ટ્સ સાથે હજી પણ ટોપ પર છે. ન્યૂઝીલેન્ડ 180 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે.

કોહલીની કબૂલાત અને ગુસ્સો…

મેચ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં વિરાટ કોહલીના બે જુદા જુદા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. એણે એક વાતે કબૂલ કર્યું હતું કે એની ટીમે કેટલીક ભૂલો કરી હતી અને તે ન્યૂઝીલેન્ડને ભારે પડી જાય એવી ફાઈટ આપી નહોતી. અમે આ પ્રવાસમાંથી કોઈ બહાના લઈને જવાના નથી, પણ કંઈક શીખીને જઈશું અને ભવિષ્યમાં અમારી રમતમાં સુધારો લાવીશું.

 

પરંતુ આ જ કોહલી એક પત્રકારે પૂછેલા એક સવાલથી ભડકી ગયો હતો. પત્રકારે એને પૂછ્યું હતું કે ‘વિરાટ, મેદાન પરના તારા વર્તન વિશે તારું શું કહેવું છે, જ્યારે તેં (કેન) વિલિયમ્સન આઉટ થયો હતો ત્યારે એને અને દર્શકોને ગાળો દીધી હતી. તને નથી લાગતું કે તું કેપ્ટન છો એટલે તારે મેદાન પર સારું વર્તન કરીને સારો દાખલો બેસાડવો જોઈએ?’

આ સવાલ સાંભળીને કોહલી ભડકી ગયો હતો અને કહ્યું: ‘હું તમને જવાબમાં સામું પૂછું છું. ખરેખર શું બન્યું હતું એ તમારે શોધી કાઢવાની જરૂર છે અને પછી આવીને આના કરતા સારો સવાલ પૂછજો. મેં મેચ રેફરી સાથે વાત કરી છે તમારે તમારું અધકચરું જ્ઞાન અહીંયા બતાવવું ન જોઈએ. અને જો તમારે વિવાદ ઊભો કરવો હોય તો આ યોગ્ય સ્થળ નથી. થેંક્યૂ.’

એ ઘટના મેચના બીજા દિવસે બની હતી. જ્યારે જસપ્રિત બુમરાહે ન્યૂઝીલેન્ડના બીજા દાવમાં વિલિયમ્સનને આઉટ કર્યો હતો અને કોહલીએ આનંદમાં આવીને અમુક મસ્તીભર્યા ચેનચાળા કર્યા હતા. કોહલીએ દર્શકો તરફ જોઈને આંગળીથી ઈશારો કર્યો હતો કે તમે ચૂપ બેસો.

ઉલ્લેખનીય છે કે મેચ રેફરી રંજન મદુગલેને પણ એ ઘટના વિશે કંઈ વાંધાજનક જણાયું નથી.

કેન વિલિયમ્સને પણ એક પત્રકારે પૂછેલા સવાલના જવાબમાં એ ઘટનાને મહત્ત્વ આપ્યું નહોતું અને કહ્યું હતું કે એ તો વિરાટની આગવી સ્ટાઈલ છે, એ ખૂબ જ લાગણી સાથે રમતો હોય છે. આપણે એમાં વધારે ઊંડા ઉતરવાની કે પિંજણ કરવાની કોઈ જરૂર નથી.