જાડેજાની સુપરમેન છલાંગઃ 3 ફૂટ ઉછળીને વેગ્નરનો કેચ પકડ્યો

ક્રાઈસ્ટચર્ચ : ન્યૂઝીલેન્ડ સામે અહીં હેગલે ઓવલ મેદાન રમાતી બીજી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચમાં ભારતના બેટ્સમેનો ફરી નિષ્ફળ ગયા છે. પહેલા દાવમાં 242 રન કર્યા બાદ બીજા દાવમાં બીજા દિવસની રમતને અંતે ભારતીયો 6 વિકેટના ભોગે માત્ર 90 રન જ કરી શક્યા હતા.

એ પહેલાં ભારતના બોલરો ન્યૂઝીલેન્ડને પહેલા દાવમાં 235 રનમાં ઓલઆઉટ કરવામાં સફળ રહ્યા હતા. ભારતને માત્ર 7 રનની નજીવી સરસાઈ મળી છે.

બીજા દિવસની રમત દરમિયાન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 3-ફૂટ ઊંચે ઉછળીને પકડેલો એક-હાથનો કેચ ચર્ચાનો વિષય બની ગયો છે.

લંચ સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર પાંચ વિકેટે 145 રન હતો.બે ફાસ્ટ બોલર – કાઈલ જેમીસન (49) અને નીલ વેગ્નર (21) ક્રીઝ પર હતા. બંને વચ્ચે 9મી વિકેટ માટે 51 રનની ભાગીદારી થઈ હતી. આ જોડીને જાડેજાએ ઉત્કૃષ્ટ કેચ પકડીને તોડી હતી. જાડેજાએ ડીપ સ્ક્વેર લેગ સ્થાને હવામાં ઉછળીને ડાબા હાથે કેચ પકડ્યો હતો અને વેગ્નરની વિકેટ પડી હતી.

જાડેજાના આ કેચની ટીવી કોમેન્ટેટર્સ તથા નેટ યુઝર્સે મુક્તકંઠે પ્રશંસા કરી છે.

જાડેજાએ બાદમાં કહ્યું હતું કે, નીલ વેગ્નર સ્ક્વેર લેગ બાજુએ ફટકા મારીને ઘણા રન કરતો હતો, પણ એનો કેચ મારી તરફ આવશે એટલી બધી ઝડપે આવશે એવું મેં ધાર્યું નહોતું. બોલ હવામાં હતો અને ખૂબ સ્પીડમાં હતો. મેં માત્ર મારો હાથ લંબાવ્યો હતો. મેં કેચ પકડી લીધો તે પછી પણ મને માનવામાં આવતું નહોતું.

ન્યૂઝીલેન્ડના પહેલા દાવનો વહેલો અંત લાવવામાં બે ફાસ્ટ બોલરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. મોહમ્મદ શમીએ 4 અને જસપ્રિત બુમરાહે 3 વિકેટ લીધી હતી.