નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ઇન્સ્ટાગ્રામ કમાણીની માહિતી સાવ ખોટી નીકળી છે. આ વાત ખુદ વિરાટ કોહલીએ સોશિયલ મિડિયા પર એક પોસ્ટ પર માહિતી આપી હતી. કોહલીએ એક ટ્વીટ કરીને કહ્યું હતું કે મને જીવનમાં જેકાંઈ મળ્યું છે, હું એના પ્રત્યે આભારી છું અને ઋણી છું, પણ સોશિયલ મિડિયા પર મારી કમાણી વિશે એ ન્યૂઝ ચાલી રહ્યા છે, એ સાચા નથી.
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મિડિયા પર એક માહિતી ઝડપથી વાઇરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકવાના રૂ. 11.47 કરોડ ચાર્જ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર કોહલીના 256 મિલિયન ફોલોઅર્સ છે. જોકે વિરાટે આવા ન્યૂઝને ફગાવ્યા છે.
https://twitter.com/imVkohli/status/1690219873509777409
ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી પ્રિયંકા ચોપડા ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ 2023માં સામેલ હતા. આ યાદી અનુસાર વિરાટના પ્રતિ પોસ્ટ 13.84 લાખ ડોલર ચાર્જ કરે છે, જ્યારે પ્રિયંકા પ્રતિ ઇન્સ્ટાગ્રામ 5.32 લાખ ડોલર કમાય છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 8.85 કરોડ ફોલોઅર્સ છે અને તે 29મા સ્થાને છે.
જોકે હાલમાં સ્પોર્ટિકો (Sportico) દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં કોહલીને વિશ્વના 100 સૌથી વધુ પેડ એથ્લીટની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો. એમાં જણાવવામાં આવ્યું હતું કે તેમની નેટવર્થ રૂ. 1000 કરોડથી વધુ છે.